હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. હાલ ત્રણ સિસ્ટમની અસર ગુજરાત પર થઈ રહી છે અને બે દિવસ પછી વરસાદના જોરમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હોવાનું પણ જણાવ્યું છે.
આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ છે. જ્યારે 1 જુલાઈથી ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં કે 2-3 જુલાઈએ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે જે વરસાદ આપતી સિસ્ટમ છે તે નબળી પડી જશે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયા કિનારા સુધીમાં વરસાદ આપતી સિસ્ટમ બનેલી છે જેની અસર ગુજરાત પર હાલ પડી રહી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં બનેલી એક સિસ્ટમના કારણે પણ વરસાદ થઈ રહ્યો છે.
અમદાવાદ શહેર માટે સતત વિવિધ તબક્કામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 29મી જૂને અમદાવાદ જિલ્લાના વીરમગામમાં સૌથી વધુ 3 સેન્ટિમીટર વરસાદ થયો છે જ્યારે ધંધૂકામાં 1 સેન્ટિમીટર વરસાદ થયો હતો. આ સિવાય શહેરના વિવિધ ભાગોમાં પણ નોંધાયો હતો. જેના કારણે કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા હતા. 30મી જૂન માટે સૌરાષ્ટ્રની આગાહી કરીને વિજીનલાલે કહ્યું છે કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે અહીં પણ જુલાઈની શરુઆતથી અહીં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. 2-3 જુલાઈથી ભારે કે અતિભારે વરસાદની વોર્નિંગ નથી.
દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં બનેલી સિસ્ટમ અને મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમની અસરથી પણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. આ સિસ્ટમની અસર નબળી પડવાથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના માછીમારોને આગામી ચાર દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ
અંબાલાલે આખા દેશના ધબકારા વધારા દીધા, વર્લ્ડકપ ફાઇનલમાં વરસાદને લઈ કરી ઘાતક આગાહી, તમે પણ જાણી લો
હવામાન વિભાગે પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના સાથે ચેતવણી આપી છે. જ્યારે મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. અહીં પણ પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.