બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે તાજેતરમાં જ તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. કેટરિના કૈફના જન્મદિવસ પર તે તેના પરિવાર અને મિત્રો સાથે માલદીવમાં એન્જોય કરતી જોવા મળી હતી.
વાયરલ ફોટામાં કેટરિના કૈફ તેના પતિ અને અભિનેતા વિકી કૌશલ, સની કૌશલ, મિત્ર મીની માથુર, ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ, આનંદ તિવારી અને અભિનેત્રી ઇલિયાના ડી’ક્રૂઝ સાથે દેખાય છે. આ ફોટા સામે આવ્યા બાદ સમાચારો છે કે ઈલિયાના ડીક્રુઝ કેટરીના કૈફની ભાભી બની શકે છે.
સોશિયલ મીડિયા પર કેટરિનાના ભાઈ સેબેસ્ટિયન અને ઇલિયાનાની તસવીરો વાયરલ થતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને છેલ્લા 6 મહિનાથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફનો ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ બ્રિટનનો મોડલ છે.
અહેવાલ મુજબ સેબેસ્ટિયન અને ઇલિયાના માત્ર એક બીજાને ઇન્સ્ટાગ્રામ પર જ ફોલો કરતા નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી બાંદ્રામાં કેટરિનાના જૂના ઘરમાં સાથે સમય વિતાવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ તસવીરો સામે આવતાં ફરી એકવાર સમાચારોનું બજાર ગરમ થઈ ગયું છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવું મુશ્કેલ છે.
થોડા સમય પહેલા સુધી ઇલિયાના ડીક્રુઝ ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોનને ડેટ કરતી હતી. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. બંને એકબીજાને લઈને ખૂબ જ ગંભીર પણ હતા.
બંનેના આ સંબંધો આગળ ન વધી શક્યા અને બ્રેકઅપ થઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રેકઅપ બાદ ઇલિયાના ખૂબ જ ભાંગી પડી હતી અને તેને થેરાપીની પણ જરૂર હતી. ખાસ વાત એ છે કે ઇલિયાના તેની પ્રોફેશનલ લાઇફ કરતાં તેના અંગત જીવનને લઇને વધુ ચર્ચામાં રહે છે.
કેટરીના કૈફનું નામ બોલિવૂડની એ-લિસ્ટ અભિનેત્રીઓમાં સામેલ છે. કેટરીનાના ખાતામાં ઘણી હિટ ફિલ્મો છે. દર્શકોને કેટરિનાની રિતિક રોશન, અક્ષય કુમાર અને સલમાન ખાન સાથેની જોડી પસંદ છે.
કેટરિનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે જલ્દી જ સલમાન ખાન સાથે ‘મેરી ક્રિસમસ’, ‘ફોન ભૂત’, ‘જી લે ઝરા’ અને ‘ટાઈગર 3’માં જોવા મળશે. ટાઈગર 3 માટે દર્શકોમાં ભારે ઉત્સાહ છે.