Gujarat Weather Forecast : વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે ગુજરાતની નજીક પહોંચી રહી છે. રાજ્યમાં 17મી જુલાઈથી વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ પહેલા છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે.
દક્ષિણ મધ્ય ઉત્તરપ્રદેશ પર બનેલી સિસ્ટમની અસર ગુજરાત પર થવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ વચ્ચે તાપમાનમાં મોટો ફેરફારની સંભાવના ન હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ શુક્રવારે આગામી 7 દિવસના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, 3-4 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના છે, આ દિવસો દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ જણાવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. ત્યારે વહેલી સવારે કેટલાક ભાગોમાં ઝાપટાં નોંધાયા હતા.
ડૉ. મોહંતીએ જણાવ્યું હતું કે 18 તારીખ પછી વરસાદનું જોર વધવાની સંભાવના છે. વરસાદની એક્ટિવટિ વધશે તેની અસર મોટાભાગે દક્ષિણ ગુજરાતથી શરુ થશે અને તે ઉત્તર ગુજરાત તરફ આગળ જશે. તેમણે ગુજરાતમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આ સિવાય કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદ આવી શકે છે. વરસાદી સિસ્ટમ કઈ તરફ ગતિ કરે છે, તેના આધારે અમદાવાદ અંગેની સંભાવનાઓ પણ આગામી દિવસોમાં વ્યક્ત કરાઈ શકે છે.
વાયગ્રા પર એક વર્ષમાં સેના આટલો બધો ખર્ચ કરી નાખે છે, આંકડો સાંભળીને તમારા હાજા ગગડી જશે
આજે ગુજરાતના દક્ષિણ ભાગના તમામ જિલ્લાઓમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાક (ગસ્ટિંગમાં)ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, અને દાહોદ તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ થવાની સંભાવના જણાવવામાં આવી છે.