ગુજરાતમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. પરંતુ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં મેઘરાજાની સવારી ફરીથી ધીમી થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં પડેલા વરસાદની માહિતી મેળવીએ તો રાજ્યના 104 તાલુકામાં ઓછી વધતી મેઘમહેર થઈ છે. ભાવનગરના શિહોરમાં સૌથી વધુ સવા 5 ઈંચ વરસાદની મેઘરાજાએ ધબધબાટી બોલાવતા રોડ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદના પગલે શિહોરમાં નદી-નાળા છલકાઈ ગયા હતા.
સુરતના ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
ઉમરપાડામાં 4 ઈંચ, વાલોડમાં 3.5 ઈંચ, ઉમરાળામાં 3.5 ઈંચ, કપરાડામાં સવા 3 ઈંચ, બોડેલીમાં 3 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, કામરેજ અને ક્વાંટમાં 2.5 ઈંચ, વ્યારા અને બારડોલીમાં 2.5 ઈંચ, ઉચ્છલમાં 2.5 ઈંચ, સોનગઢમાં 2.5 ઈંચ, માંડવીમાં સવા 2 ઈંચ, ઓલપાડમાં પોણા 2 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.
અરવલ્લીના ધોધ જીવંત થયા
ભારે વરસાદ બાદ ખેડા-અરવલ્લીના સરહદી વિસ્તારોમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. સરહદી વિસ્તાર ઝાંઝરીમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. વાત્રક નદીમાં નવા નીર આવતા ધોધ વહેતો થયો છે. મંગળવારે ઝાંઝરી ધોધના કુદરતી સૌંદર્યને નિહાળવા પર્યટકો ઉમટ્યાં હતા. પરિવારજનો સાથે લોકોએ સેલ્ફી અને ઊંટ સવારીની મઝા માણી હતી. ઝાંઝરી ધોધ વહેતો થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં 20થી વધુ હોમગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. હોમગાર્ડ જવાનો લોકોને ભયજનક જગ્યાએ જતા રોકી રહ્યાં છે.
મહીસાગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો
મહીસાગર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ખાનપુર તાલુકાનો અલદારી માતાનો ધોધ જીવંત થયો છે. આ ધોધ જીવંત થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ધોધ જીવંત થતાં ગુજરાત સહિત અન્ય જિલ્લાના પર્યટકો ઉમટી પડ્યા હતા.
ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક
ગાંધીનગર સંત સરોવરમાં પાણીની આવક નોંધાઈ છે. સાબરમતી નદી પર બનેલા સંત સરોવરમાં ચાર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં સંત સરોવરમાં પાણીની આવક નોંધાઈન છે.
રેલ્વે મુસાફરોને બખ્ખાં જ બખ્ખાં, હવે ટ્રેનની ટિકિટ સાથે ફ્રીમાં મળશે આ સુવિધાઓ, મોટી જાહેરાત થઈ ગઈ!
બનાસ નદીમાં નવા નીરની આવક
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસકાંઠાની જીવા દોરી સમાન બનાસ નદીમાં નવા આવ્યા છે બનાસ નદી સતત ત્રીજીવાર જીવંત બનતા બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસ નદીના પાણી દાંતીવાડા ડેમમાં જતા હોવાથી દાંતીવાડા ડેમ પણ ભરાય છે, જેના કારણે બનાસકાંઠાના ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે તેમ છે.