પતિ-પત્નીના એવા કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળે છે જેમાં કોઈ ત્રીજી વ્યક્તિના કારણે સંબંધોમાં તિરાડ આવે છે, પરંતુ તમે સપનામાં પત્ની સાથે છેતરપિંડીનો કિસ્સો નહીં સાંભળ્યો હોય. આટલું જ નહીં પતિને આની ભારે કિંમત પણ ચૂકવવી પડી છે. આ ઘટના દક્ષિણ અમેરિકાના બોલિવિયાની છે, જ્યાં સપનામાં બીજી મહિલાને જોઈને ગુસ્સે થયેલી પત્નીએ સૂતેલા પતિ પર ઉકળતું પાણી રેડ્યું. આ માટે પત્નીની ધરપકડ કરવામાં આવી છે.
પત્નીએ સ્થાનિક મીડિયાને કહ્યું, ‘મારા પતિની ઉંમર 45 વર્ષ છે. સૂતી વખતે તે બીજી સ્ત્રીનું નામ લઈને તેની સાથે વાત કરતો હતો અને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો હતો. આ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. હું રસોડામાં ગઈ અને ઉકળતા પાણીથી ભરેલું વાસણ લાવી, તેના આખા શરીર પર રેડ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર ઉકળતા પાણીને કારણે પતિના હાથ, પીઠ, પ્રાઈવેટ પાર્ટ અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શું આ ઘટના અંગે ખુદ પતિએ પોલીસને જાણ કરી હતી કે પછી પાડોશીઓએ ચીસો સાંભળીને આ સમાચાર તેમને આપ્યા હતા. સ્થાનિક પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી છે.
સ્પેશિયલ ક્રાઈમ ફાઈટીંગ ફોર્સના ડેપ્યુટી ડાયરેક્ટર જુઆન જોસે જણાવ્યું હતું કે, આ પહેલીવાર નથી કે જ્યારે પત્ની દ્વારા પતિ પર આટલો જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય. આ પહેલા મહિલાએ તેના પતિ પર દારૂ છાંટીને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમયે મહિલાએ ગુસ્સામાં આવીને તેના પતિ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું નથી. અત્યારે જો સપનાના કારણે મહિલાએ આવું પગલું ભર્યું હોય તો તે ખૂબ જ આઘાતજનક છે.