તાજેતરમાં ઓલા ઈલેક્ટ્રીકે બનાવેલ ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાએ આવા ઇ-વ્હિકલની સુરક્ષા મામલે ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. જે દેશમાં ઇ-વ્હિકલના ઉત્પાદન-વેચાણને વેગ આપવાના ભારત સરકારના પ્રયત્નો પર પાણી ફેરવી શકે છે. દેશમાં વેચાતા કુલ ટુ-વ્હીલરમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરબાઇકનો હિસ્સો જે હાલમાં માત્ર બે ટકા છે તે વધીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૮૦ ટકા એ લઇ જવાનો સરકારનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક છે.
આ માટે મોદી સરકાર કંપનીઓને સ્થાનિક સ્તરે ઇલેક્ટ્રિક વાહનોના (ઇવી)ના ઉત્પાદન માટે અબજાે ડોલરના પ્રોત્સાહન પેકેજ આપી રહી છે. ચાલુ વર્ષે દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ બમણું થયું છે, પરંતુ તાજેતરની આ ઘટના બાદ સંભવિત ખરીદદારોને ફેર વિચારણ કરવા મજબૂર કર્યા છે.
જળવાયુ પરિવર્તન અને કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે ભારત સહિત વિશ્વના અન્ય દેશો ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઉદ્યોગ જગતના આંકડા અનુસાર ઇ-સ્કૂટરનું વાર્ષિક વેચાણ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૦ લાખ યુનિટને વટાવી જવાની ધારણા છે, જે એક વર્ષ અગાઉ ૧,૫૦,૦૦૦ હતી, ઉદ્યોગના ડેટા દર્શાવે છે.