Ahmedabad News: ઇસ્કોન બ્રિજ પર 152કિમી. થી વધુની ઝડપે બેફામ રીતે જેગુઆર કાર હંકારી એકસાથે 9 નિર્દોષ લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલને કોર્ટ તરફથી વધુ એેક જટકો લાગ્યો છે. તથ્યના હૃદયના ધબકારા વધી જતા હોવાથી તેના વકીલે અદાલત પાસે ચાર સપ્તાહ માટે કામચલાઉ જામીન માંગ્યા હતા. જો કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજ ડી.એમ.વ્યાસે તથ્ય પટેલની હંગામી જામીનની અરજી ધરાર ફગાવી દીધી હતી.
કોર્ટે આરોપી તથ્ય પટેલની છાતીની તકલીફ્ન લઈ તેની સારવાર માટે યુ.એન.મહેતામાં મેડિકલ ચેકઅપ કરાવી તેનો રિપોર્ટ દસ દિવસમાં અદાલતમાં રજૂ કરવા સાબરમતી જેલ સત્તાવાળાઓને આદેશ કર્યો હતો. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ છેલ્લા સાડા પાંચ મહિના ઉપરાંતના સમયથી સાબરમતી જેલમાં છે.
આ દરમિયાન તથ્ય પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર સપ્તાહ માટેના કામચલાઉ જામીન માંગતી એક અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, અરજદારને છાતીમાં દુખાવો થતો હોઈ અને હૃદયના ધબકારા વધી જતા હોઈ અગાઉ તેણે સિમ્સ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, તેથી આ સંદર્ભમાં તેને થોડા દિવસોની સારવાર માટે ચાર સપ્તાહના સમયગાળા માટે હંગામી જામીન પર મુકત કરવો જોઇએ.
જાણો સરકારી વકીલે શું કહ્યું
મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ તપાસનીશ અધિકારીની એક્ઝેિવિટ રજૂ કરીને આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીનો સખત વિરોધ કરતાં કોર્ટને જણાવ્યું હતું કે, અરજદારને જરૂર પડી ત્યારે સાબરમતી જેલમાં સારવાર આપવામાં આવી હતી.
વળી, અસારવાની અદ્યતન અને તમામ સાધનસુવિધાથી સજ્જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં અરજદારને યોગ્ય સારવાર મળી શકે તેમ છે, અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવારના બહાના હેઠળ આરોપીને આ પ્રકારે કામચલાઉ જામીન આપી શકાય નહી કારણ કે, તેની વિરૃધ્ધનો ગુનો ઘણો ગંભીર છે. ગુનાની ગંભીરતા અને કેસની સંવેદનશીલ હકીકતો ધ્યાને લઈને કોર્ટે આરોપીની હંગામી જામીન અરજી ફગાવી દેવી જોઈએ.
જાણો શું છે સમગ્ર મામલો?.
તમને જણાવી દઈએ કે. 19 જુલાઈની રાત્રે ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરો તથ્ય પ્રજ્ઞેશ પટેલ હાલમાં જેલના સળિયા ગણી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમ માટે RTO દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. એટલે કે આજીવન હવે લાયસન્સ જ નહીં નીકળે.