ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમને સાજા થવામાં 4 થી 6 મહિનાનો સમય લાગશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે બુમરાહ પીઠના દુખાવાની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને તેને મહિનાઓ સુધી ટીમની બહાર રહેવું પડી શકે છે.
બીસીસીઆઈના એક અધિકારીએ ગોપનીયતાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, “એ નિશ્ચિત છે કે બુમરાહ ટી-20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. તેને પીઠનો ગંભીર દુખાવો છે અને છ મહિના માટે બહાર રહેવું પડી શકે છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે બે T20 મેચ રમી હતી, પરંતુ તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની પ્રથમ મેચ રમવા માટે તિરુવનંતપુરમ ગયો ન હતો. રવીન્દ્ર જાડેજા પછી બુમરાહ બીજો ભારતીય ખેલાડી છે જે ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેતો નથી. જાડેજા ઘૂંટણની સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે.