વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ સિમેન્ટ બિઝનેસમાં બે મોટા સોદા કર્યા છે. અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડનું સંપાદન પૂર્ણ કર્યું છે. આ સાથે અદાણી ગ્રુપ દેશનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બની ગયું છે. પ્રથમ નંબરે આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ છે. સિમેન્ટનો બિઝનેસ ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી સંભાળશે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે કરણ અદાણીની અંબુજા સિમેન્ટના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય તેમને ACCના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના સીઈઓ છે. નોંધનીય છે કે અદાણી ગ્રુપે હાલમાં જ આ બે દિગ્ગજ સિમેન્ટ કંપનીઓને લગભગ $10.5 બિલિયનમાં હસ્તગત કરી હતી. હવે એવા અહેવાલ છે કે ગૌતમ અદાણીએ આ બિઝનેસ તેમના 35 વર્ષના મોટા પુત્ર કરણ અદાણીને સોંપ્યો છે. કરણ અદાણી માટે સિમેન્ટ બિઝનેસ સંભાળવાની મોટી જવાબદારી છે. જોકે, છેલ્લા દોઢ દાયકાથી તેઓ પોર્ટનો વ્યવસાય ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે.
આ સોદો પૂરો થયા પછી અદાણી પાસે અંબુજા સિમેન્ટ્સમાં 63.15 ટકા અને ACCમાં 56.69 ટકા (અંબુજા સિમેન્ટ્સ દ્વારા 50.05 ટકા હિસ્સો) હશે. અંબુજા સિમેન્ટ્સ અને ACCનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન હવે $19 બિલિયન છે. કરણ અદાણી લગભગ રૂ. 15,934 કરોડના પોર્ટ બિઝનેસને જવાબદારીપૂર્વક સંભાળી રહ્યા છે. કરણને જાન્યુઆરી 2016માં અદાણી પોર્ટના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેણે બિઝનેસનો ઝડપથી વિસ્તાર કર્યો હતો.
અહેવાલ મુજબ કરણ અદાણીની આગેવાની હેઠળની અંબુજા સિમેન્ટ્સ અને ACC બંનેને અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ સાથેની સિનર્જીથી નોંધપાત્ર ફાયદો થવા જઈ રહ્યો છે. અદાણી ગ્રૂપ કાચો માલ, રિન્યુએબલ એનર્જી અને લોજિસ્ટિક્સના ક્ષેત્રોમાં નિપુણતા ધરાવે છે કારણ કે અદાણી ગ્રૂપની કંપનીઓ આ કાર્યોમાં બહોળો અનુભવ ધરાવે છે. અહેવાલ મુજબ તેમના પુત્રને લાવવા ઉપરાંત ભારતીય અબજોપતિ સિમેન્ટના વ્યવસાયને વધારવા માટે વરિષ્ઠ અધિકારીઓની પણ તૈયારી કરી રહ્યા છે.