Gujarat Weather Update: ગુજરાતમાં ઉત્તરાયણ બાદ ઠંડીનો ચમકારો વધ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ઘટી રહ્યો છે. ત્યારે આજે 17 જાન્યુઆરીના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદ પડવાના શક્યતા નથી. આ સાથે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અંગે પણ આગાહી કરી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઇ આગાહી નથી. આ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગે આજના તાપમાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે, અમદાવાદમાં 13 ડિગ્રી, ડિસામાં 11.5 ડિગ્રી જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે, નલિયામાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમા ઉત્તરના પવનો ફૂંકાશે અને પવનની ગતિ 6 કિમી પ્રતિ કલાક રહી શકે છે. આખા રાજ્યમાં હાઇ લેવલના વાદળો છવાયા હોવાને કારણે આગામી દિવસોમાં તાપમાન ઘટશે નહીં પરંતુ વધશે.
બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ પહેલાના વીડિયોમાં જણાવ્યુ હતુ કે, રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 17, 18 અને 19 તારીખ દરમિયાન રાજ્યમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી.
પરંતુ હવામાનમાં 16મીથી પલટો આવશે. આ પલટો શિયાળુ પાક પર માઠી અસર પાડે તેવો પણ હોઈ શકે છે. ઝાકળ વર્ષામાં વધારો થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તેઓ જણાવે છે કે, 19 તારીખ સુધી રાજ્યના ઘણાં ભાગોમાં ભારે ઝાકળ વર્ષા થઈ શકે છે. વરસાદ થયો હોય તેવી ઝાકળ જોવા મળી શકે છે.