Ahmedabad News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાત લેવા પહોંચ્યા છે. જોકે, રાત્રે આઠ વાગ્યે તેઓ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ અચાનક તેમનો રૂટ બદલાતા પોલીસ રિવરફ્રન્ટના રસ્તા પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પીએમ મોદી રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો પહોંચ્યા હતા. ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી ગેટ પાસે લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. જોકે, PMના આગમનને લઈ ફ્લાવર શો જાહેર જનતા માટે બંધ કરાયો હતો. જેના કારણે કેટલાક લોકો પરત ફરતા નજરે પડ્યા હતા.
30 ડિસેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોની જેમ આ વર્ષનો 11મો ફ્લાવર શો પણ ખુલ્લો મુકાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક હસ્તીઓ હાજર રહી અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ઉજવાયો. 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ખુલ્લો રહેશે અને લાખો લોકો દેશ વિદેશમાંથી ફ્લાવર શો જોવા આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે એની પાછળનું કોઈ એક કારણ નથી, પરંતુ અનેક કારણો છે. ફ્લાવર શોને આટલો સફળતાપૂર્વક હિટ કરવા પાછળ પણ અનેક કારણો છુપાયેલા છે. આ બધા જ કારણો અને વિગતો વિશે આજે તમને રૂબરૂ કરાવવા છે.
પહેલી વખત લગાવ્યા ખાણીપીણીના સ્ટોલ
આ વર્ષે 2024માં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થયો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ 11માં ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024’માં વિવિધ થીમ આધારીત પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટી, વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર, મોઢેરાના સૂર્ય મંદિર,ચંદ્રયાન-3, નવું સંસદભવ, સાત ઘોડાની અદ્ભૂત પ્રતિકૃતિ વગેરેનો સમાવેશ થાય છે. આમ મળીને કુલ 5.45 કરોડના ખર્ચે આ ફ્લાવર શો યોજાયો છે.
ટિકિટના ભાવ
આ ફ્લાવર શોમાં 15 લાખ કરતાં વધારે રોપા છે અને 150થી વધારે પ્રકારની વેરાયટી તમને જોવા મળી રહેશે. ફ્લાવર શોમાં બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના ફૂલ લગાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ટિકિટ વિશે વાત કરીએ તો ફ્લાવર શોમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ ફ્રી છે. જ્યારે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે 75 રૂપિયા ફી ચુકવવી પડશે.આ વખતે ઓનલાઈન પણ ટિકિટ બૂક કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આખા ગુજરાતમાંથી કોઈપણ શાળા દ્વારા અહીં મુકાલાત કરવા આવે તો એમના માટે તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત વર્ષે ફ્લાવર શોને લોકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. જેને લઈ વધુ ત્રણ દિવસ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ જો એવું થશે તો દિવસો લંબાવવામાં આવી શકે છે.
આખા ભારતમાં આવો એક માત્ર ફ્લાવર શો
અમદાવાદ મહાનગર પાલિકાના પાર્ક એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર જીજ્ઞેશ પટેલ સાથે આ ફ્લાવર શો બાબતે વિગતે વાત કરી હતી. જીજ્ઞેશભાઈ પટેલે વાત કરી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે જે ફ્લાવર શોનું આયોજન કર્યું છે તે 11મો ફ્લાવર શો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પ્રકારે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે એ જ પ્રકારે તૈયારી કરવામાં આવી છે.
મે અત્યાર સુધીમાં ભારતમાં આટલો લાંબો, આટલા લાખ રોપા અને આટલા મુલાકાતીની દ્રષ્ટિએ કોઈ ફ્લાવર શો નથી જોયો. કદાચ ભારતમાં અમદાવાદનો પહેલો આ ફ્લાવર શો છે કે જે આટલા મોટા વિસ્તારમાં આટલો જબરદસ્ત રિસપોન્સ સાથે ચાલતો હોય. અહીં હેરિટેજથી લઇને લેટેસ્ટ ચંદ્રયાન સુધીની કલાકૃતિઓ ડિસ્પ્લે કરવામાં આવી છે. જેમાં વડનગરના કીર્તિ સ્તંભ, મોઢેરા સૂર્ય મંદિર, સરદાર વલ્લભભાઈ પટેલ, નવું સંસદ ભવન, ચંદ્રયાન અને સાત ઘોડાની કલાકૃતિઓ ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે.
6 મહિનાની રાત-દિવસ મહેનત
જીજ્ઞેશ પટેલ વાત કરતાં આગળ કહે છે કે અત્યારે કુલ 15 લાખ કરતાં વધારે ફુલોના રોપા અહીં છે. અમે જુન મહિનાથી જ આ ફ્લાવર શોની તૈયારીમાં લાગી જઈએ છીએ. 600 કરતાં પણ વધારે લોકો જોડાઈને આ કામ પાર પાડવામાં આવતું હોય છે. મોટા ભાગના ફૂલો યુરોપિયન કલ્ચરના છે. 150 કરતાં પણ વધારે અલગ અલગ વેરાયટી આપણે રાખી છે. કુલ 6 કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારમાં આ ફ્લાવર શો રાખવામાં આવ્યો છે.
દર વર્ષે લોકોનો રિસપોન્સ વધારે ને વધારે જ મળતો રહ્યો છે. અમારી ટીમ છેલ્લા 6 મહિનાથી રાત દિવસ આ જ કામમાં લાગી છે. મજૂરોથી લઈને મંત્રીઓ સુધી બધા જ તન મન ધનથી ફ્લાવર શોને સરસ બનાવવા અને અમદાવાદીઓને કંઈક નવું આપવાનો પ્રયાસ કરીએ છીએ. જો આ જગ્યા પરની જ વાત કરીએ તો અમારા હાથમાં આ જગ્યા 16 ડિસેમ્બરે આવી અને અમે એ સાંજથી જ કામ કરવાનું શરૂ કર્યું.
600 લોકોની ટીમ ખડેપગે
ઘણા મુલાકાતીઓને એવું લાગતું હશે કે આ ફ્લાવર શોમાં જે ફુલો છે એ નકલી હશે અથવા તો પ્લાસ્ટિકના હશે. પરંતુ જીજ્ઞેશ પટેલે આખી પ્રોસેસ વિશે પણ વાત કરી હતી. 6 મહિના પહેલા એટલે કે જુનમાં અમે નક્કી કરી લઈએ છીએ કે આ વખતે કેવા કેવા પ્રકારના ફુલ અને કેટલા પ્રકારના ફુલ રાખવા છે. એ પ્રમાણે જ્યાં જ્યાંથી એ ફૂલના બીજ કે તૈયાર નાનો રોપ મળે એ લઈ આવીએ છીએ. અમદાવાદના જ 300 ગાર્ડનમાં આ બધા જ ફુલ અને રોપા ઉછેરવામાં આવે છે. તેમનું પુરી રીતે જતન કરવામાં આવે છે. કુલ 600 લોકોની ટીમ આ કામ પાછળ લાગેલી હોય છે. ત્યારબાદ ઘણી વખત એવું પણ બને કે કુદરતી આફત આવે તો ફુલને નુકસાન પણ થતું હોય છે. તો એવા સંજોગોમાં ફરીથી એ મહેનત પણ કરવી પડે છે.
15 લાખમાંથી 40 ટકા ફુલ-છોડ નિષ્ફળ જાય
15 લાખ રોપા જે અહીં લગાવવામાં આવ્યા છે એ દરેક રોપા કે ફુલછોડ એવા જ છે કે જેમને શિયાળો અનુકૂળ આવે. કારણ કે 15 દિવસ સુધી આ તમામ રોપ અને ફુલછોડ ખુલ્લામાં જ રાખવાના હોય છે. જેથી શિયાળાને અનુકુળ ના આવે એવા કોઈ રોપ રાખવામાં આવતા નથી. જીણી જીણી અનેક બાબતોનું ધ્યાન રાખીને આખું આયોજન કરવામાં આવતું હોય છે. ફ્લાવર શોના દિવસો દરમિયાન જ્યારે અધ વચ્ચે કોઈ છોડ કે ફુલ ખરાબ થાય તો એમને અધવચ્ચેથી જ બદલવો પડે છે. નુકસાન વિશે વાત કરી કે આ 15 લાખ રોપામાંથી 40 ટકા જેટલા ફૂલછોડ ખરાબ થઈ જાય છે અને 60 ટકા છોડ તેમજ ફુલ આપણા અમદાવાદના 300 ગાર્ડનમાં ફરીથી લગાવી દેવામાં આવે છે.
વડાપ્રધાન મોદી પણ ઓળઘોળ
ફ્લાવર શોમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જઈને લખ્યું કે, અમદાવાદમાં આ ફ્લાવર શો દરેકને મોહિત કરવા માટે તૈયાર છે. અહીં પ્રદર્શિત નવા ભારતની વિકાસ યાત્રાની ઝલક પણ ખૂબ આકર્ષક છે. PM મોદી સહિત અમદાવાદમાં દેશ વિદેશમાંથી જે પણ મુલાકાતીએ મુલાકાત કરી એ તમામ ઓળઘોળ થઈને વખાણ કરી રહ્યાં છે.
ફ્લાવર શોથી નવ દિવસમાં રૂપિયા 3 કરોડથી વધુની આવક થઈ છે અને મુલાકાતીઓની સંખ્યા 5 લાખને પાર જતી રહી છે. રવિવારે એક જ દિવસમાં 85 હજારથી વધુ મુલાકાતીઓથી રૂ.65 લાખથી વધુની આવક થઇ હોવાનો પણ અહેવાલ છે. આ એવો ફ્લાવર શો છે કે લોકોની ભીડ સ્વયંભૂ ઉમટે છે, કોઈ જ પ્રચારની જરૂર નથી રહેતી. છેલ્લા 11 વર્ષથી આવો જ રિસપોન્સ મળી રહ્યો છે. હાલમાં જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં તેને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઇ રહી છે.
દિવસ પ્રમાણે ટિકિટના વેચાણ પર જો નજર કરીએ તો…
તારીખ-ટિકિટ વેચાણ
30 ડિસેમ્બર-22,000
31 ડિસેમ્બર-72,000
1 જાન્યુઆરી-78,000
2 જાન્યુઆરી-36,768
3 જાન્યુઆરી-32,880
4 જાન્યુઆરી-32,842
5 જાન્યુઆરી-38,000
6 જાન્યુઆરી-42,000
7 જાન્યુઆરી-80,000
કૌશલ મિસ્ત્રી ( અમદાવાદી મેન ) ની પ્રતિક્રિયા
અમદાવાદી મેન તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત કૌશલ મિસ્ત્રી ફ્લાવર શોની મુલાકાત લઈને પોતાનો અનુભવ શેર કરતાં વાત કરી કે હું તો દર વર્ષે અહીં આવું છું. આટલા લાંબા કિલોમીટરમાં આટલું સરસ આયોજન થતું હોય તો દરેક અમદાવાદી અને ગુજરાતીએ અવશ્ય મુલાકાત લઈને ફ્લાવર શોની કામગીરીને વધાવવી જોઈએ. આ વખતે પણ હું મારી આખી ટીમ સાથે અહીં આવ્યો છું અને મસ્ત મજા માણી છે. ખાસ પ્રતિકૃતિ જે બનાવી છે એ પણ અવશ્ય જોવા જેવી છે. મને લાગે છે કે સમગ્ર ગુજરાત અને ભારતને અમદાવાદના ફ્લાવર શો પ્રત્યે ગૌરવ અને અભિમાનની લાગણી રાખવી જોઈએ.
પાર્થ ઓઝા ( પ્રખ્યાત ગાયક )
જેમના અવાજમાં એક અનેરો જાદુ છે એવા ગુજરાતના પ્રખ્યાત ગાયક પાર્થ ઓઝા કહે છે કે દર વર્ષે હું તો ફ્લાવર શોની રાહ જોઈને જ બેઠો હોંઉ છું. કારણ કે અમદાવાદના આગણે આ પ્રકારે 15 લાખ કરતાં વધારે ફુલ-છોડ જોવા મળે તો એનાથી વિશેષ આનંદ બીજો ક્યો હોય. એક ગુજરાતી તરીકે અને અમદાવાદી તરીકે હું કરોડો જનતાને એ જ કહીશ કે આપ સૌ જરૂરથી ફ્લાવર શોની મુલાકાત લેજો. હું પણ આવ્યો અને અહીં સરસ સરસ ફોટો વીડિયો પણ ઉતાર્યા છે. નાના નાના બાળકો માટે તંત્રએ જે ફ્રી સુવિધા પુરી પાડી છે એ પણ ખરેખર એક કાબિલ-એ-દાદ અને વખાણવા જેવો નિર્ણય છે.
ખુશ્બુ આસોડીયા ( પ્રખ્યાત ગાયિકા )
લગાતાર સ્ટેજ શો અને નવા નવા ગીતોથી ગુજરાતીઓના મન મોહતી સિંગર એટલે કે ખુશ્બુ આસોડીયા પણ અમદાવાદના ફ્લાવર શો પર ફિદા છે. ખુશ્બુએ વાત કરી કે હું દર વર્ષે આ શો જોવા અવશ્ય આવું જ છું. આ વખતે મને જે સૌથી સારી વાત લાગી કે ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ઘણી વખત એવું થતું હોય કે લોકો ટિકિટ માટેની લાંબી લાઈનો જોઈને શો જોવાની આળસ કરતાં હોય છે. ત્યારે આ નિર્ણય ખરેખર સરાહનીય છે. વિશ્વ લેવલે જ્યારે ફ્લાવર શોના વખાણ થઈ રહ્યા હોય તો એક ગુજરાતી તરીકે ફ્લાવર શોની મુલાકાત લેવી એ આપણી ફરજ અને કર્તવ્ય બને છે.