India News : ચંદ્રયાન-3ના (Chandrayaan-3) સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરે ચંદ્રની સપાટીનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. 23 ઓગસ્ટે ચંદ્રયાનના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) હાલમાં ચાલી રહેલા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા હતા. પરંતુ, પીએમ મોદી ત્યાંથી લાઇવ જોડાયા અને ભારતના મૂન મિશનને ( Moon Mission) નિહાળ્યું અને તેની સફળતા બદલ ઇસરો અને તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા.
ભાજપના સૂત્રોએ કહ્યું છે કે ગ્રીસની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઉતરશે. ઇસરોનું મુખ્ય મથક અહીં આવેલું છે. પોતાના વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ એટલે કે 26 ઓગસ્ટે સવારે લગભગ 7 વાગે પીએમ સીધા ઈસરોના હેડક્વાર્ટર પહોંચશે, જ્યાં તેઓ ચંદ્રયાન-3ની આખી ટીમને મળશે.
બેંગલુરુમાં યોજાશે રોડ શો
કર્ણાટક ભાજપ પણ પીએમ મોદીના બેંગલુરુ આગમન પર એક નાનો રોડ શો યોજવાની તૈયારી કરી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ પીએમ દિલ્હી જવા રવાના થશે. દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી 26 ઓગસ્ટે સવારે લગભગ 11.30 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચશે. ત્યાં તેમને લેવા માટે ભાજપના ઘણા મોટા નેતાઓ પહોંચશે. પીએમના સ્વાગત માટે ઢોલ-નગારા સાથે સ્વાગત કરવાની તૈયારી કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી ભાજપના 10 હજારથી વધુ કાર્યકર્તાઓ પીએમના સ્વાગત માટે એરપોર્ટ પહોંચશે.
દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાનનું લેન્ડિંગ જોવા મળ્યું
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દક્ષિણ આફ્રિકાથી ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને નિહાળ્યું હતું. ત્યાર બાદ તરત જ તેમણે ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કરીને સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારત સમગ્ર વિશ્વનો પહેલો એવો દેશ બની ગયો છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. સાથે જ ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ચીન અને યુએસએસઆર પણ ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે.