અંબાલાલ પટેલે 4-5-6-7-8 માર્ચ સુધી માવઠાની આગાહી કરી હતી અને એ સાચી પડી છે. આજે વહેલી સવારથી મહીસાગર અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આગાહી મુજબ આ જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદી છાંટા શરૂ થયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોની એક તરફ ચિંતા વધી છે તો બીજી તરફ પાકના ભાવ મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. તો વળી 6 તારીખે હોળીનો તહેવાર છે અને ત્યારે પણ વરસાદની આગાહી છે તો લોકોમાં એ પણ ચિંતા વ્યાપી રહી છે.
ગઈ કાલે જ હવામાનને લઇને અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં માવઠું પડશે. 4 માર્ચથી લઈને 8મી માર્ચ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. તારીખ 5,6 અને 7 માર્ચ દરમિયાન મધ્ય ગુજરતામાં માવઠાની શકયતાઓ હજુ પણ આગાહી છે. એટલે કાલથી પણ વરસાદ આવી શકે એવી તૈયારી રાખવામાં આવી રહી છે. આણંદ, વડોદરા અને અમદાવાદમાં માવઠાની શકયતાઓ છે તેમજ લુણાવાડા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદ થશે. તા. 6,7 અને 8 માર્ચે દક્ષિણ ગુજરાત અને ગીરમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શકયતા છે.
અંબાલાલ પટેલે આ વાતની આગાહી વિશે એવી પણ વાત કહી હતી કે બંગાળ અને અરબ સાગર મળતા ભેજના પવનો કારણે વરસાદ થઈ શકે છે. તા. 14, 15 અને 16માર્ચે સુધી રાજ્યમાં વાદળછાયા વાતાવરણની અને વરસાદની શકયતા છે.
20મી માર્ચથી ગરમી વધવાની શકયતા છે તેમજ 24 અને 25 દરિયામાં હલચલ થવાની શકયતા છે. ત્યારે આગામી દિવસોમાં શું થાય એ હવે જોવાનું રહ્યું. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા અન્નદાતાઓની ચિંતામાં વધારો થયો છે. કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકની પણ નુકસાનની ભિતી સેવાઈ રહી છે.