હાલમાં તો આપણે રોજ માવઠાના સમાચાર સાંભળીએ છીએ, ત્યારે આ વર્ષે અત્યારસુધીમાં કુલ 122 દિવસમાંથી 35 દિવસ સુધી રાજ્યમાં ચોથી સિઝન એટલે કે કમોસમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જાન્યુઆરીથી મે વચ્ચે આપણું પશ્ચિમી રાજ્ય સામાન્ય રીતે ત્રણ ઋતુઓમાંથી પસાર થાય છે. જાન્યુઆરીમાં શિયાળો, ફેબ્રુઆરીથી એપ્રિલની વચ્ચે વસંત અને એપ્રિલથી મે મહિના દરમિયાન ઉનાળો. જો કે હવે એવું કંઈ જોવા મળી રહ્યું નથી.
મનોરમા મોહંતીએ આ અંગે વિસ્તારથી વાતચીતમાં જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ માર્ચ મહિનામાં માવઠું થવું બહુ જ અસામાન્ય છે. છેલ્લા દસ વર્ષમાં ક્યારેય પણ આવું જોવા માળ્યું નથી. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ જૂનના મધ્યમાં વરસાદના આગમનથી થતું જોવા મળે છે. પરંતુ આ વખતે માવઠાને કારણે શિયાળો અને વસંતમાં વધુ ઠંડી જ્યારે ઉનાળો થોડો ભેજવાળો જોવા મળી રહ્યો છે.
જો કે અમદાવાદીઓ માટે તો કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત લાવ્યો છે, પરંતુ રાજ્યની અર્થવ્યવસ્થા માટે પાયમાલ સાબિત થયો છે. ગુજરાતભરના ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાણાં છે. નુકસાન સહન કરનાર ખેડૂત વિચારે છે કે, હજી કેટલું નુકસાન વેઠવું પડશે. જ્યારે માવઠા થંભવાનું નામ લેતા નથી. એપ્રિલ અને માર્ચ મહિનામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લગભગ 15 દિવસ (અડધો મહિનો) વરસાદ પડ્યો હતો. અમદાવાદ જેવા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતાં ત્રણ વિસ્તારો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેગ્યુલર વરસાદે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે અને પાકને નુકસાન પહોંચાડ્યું છે.
આ સિવાય નુકસાન અંગે જો વાત કરવામાં આવે તો બાગાયતી પાકોમાં ચીકુ, આંબા, પપૈયા અને કેળાના પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપરાંત બિન પરંપરાગત પાકોને પણ નુકસાન થયું છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લામાંઓમાં બાજરા, તલની ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. શિયાળું પાકમાં અંદાજે 25થી 30 ટકાનું નુકસાન થયું હતું. આ વર્ષમાં થયેલાં કમોસમી વરસાદના કારણે પાકને જે નુકસાન થયું છે તેની સહાય હજી સુધી મળી નથી. સરકાર દ્વારા અવારનવાર સહાય આપવાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને હજી સુધી સહાય મળી નથી.
માવઠાએ તો પથારી ફેરવી નાખી, કેસરથી લઈને દરેક પ્રકારની કેરીના ભાવમા તોતિંગ વધારો, ખાવાના પણ ફાંફાં
આ સાથે જ આગાહીની વાત કરીએ તો મંગળવારે કરવામાં આવેલી 5 દિવસની આગાહીમાં 5મા દિવસે એટલે કે છઠ્ઠી તારીખે વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને અમરેલી, ભાવનગર અને રાજકોટમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દિવસે હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા વરસાદ દરમિયાન ઘરમાં રહેવાની તથા વીજળીના ઉપકરણો બંધ રાખવાની સલાહ અપાઈ છે. આ સિવાય ઝાડ કે વીજળીના થાંભલાની નીચે ના ઉભા રહેવાનું જણાવામાં આવ્યું છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્ણ થયા બાદ તરત જ બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થવાના કારણે રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ થવાની આગાહી છે.