જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે સોનાની કિંમત વધી રહી છે. અમેરિકા સહિત G7 દેશોએ રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે જેના પછી સોનાની કિંમતમાં ભારે વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના વાયદાના ભાવ ફરી એકવાર 51 હજારની તરફ જતા જોવા મળી રહ્યા છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24 કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. 180 વધીને રૂ. 50,803 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના વાયદા રૂ. 251 વધીને રૂ. 59,755 પ્રતિ કિલોગ્રામ થયા હતા. સોનાનો વેપાર રૂ. 50,785ના સ્તરે શરૂ થયો હતો પરંતુ માંગમાં વધારાને કારણે તે ટૂંક સમયમાં પાછલા બંધ કરતાં 0.36 ટકા ઊછળી ગયો હતો. ગયા અઠવાડિયે સોનાની કિંમતમાં જબરદસ્ત ઘટાડો થયો હતો. હાલ સોનાનો વાયદો ભાવ 50,892 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 60,358 પર ટ્રેડ થઈ રહ્યો છે.
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના સપ્લાય પર અસરને કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,835.57 પ્રતિ ઔંસ હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.21 ટકા વધુ છે. ચાંદીની હાજર કિંમત પણ $21.39 પ્રતિ ઔંસ પર પહોંચી છે, જે અગાઉના બંધ ભાવ કરતાં 1.17 ટકા વધુ છે. પ્લેટિનમની હાજર કિંમત 0.5 ટકા વધીને $912 પ્રતિ ઔંસ પર છે જ્યારે પેલેડિયમની કિંમત 0.6 ટકા વધીને $1,886.65 પર ટ્રેડ થઈ રહી છે.