શ્રીલંકાની આર્થિક અને રાજકીય સ્થિતિ ખૂબ જ ડામાડોળ ચાલી રહી છે. નિષ્ણાંતો આ માટે સરકારની આર્થિક નીતિઓને જવાબદાર માને છે જેમાં ટેક્સ કાપ અને રાસાયણિક ખાતર પરના પ્રતિબંધનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક લોકોના મતે કોરોના મહામારીના કારણે દેશના પર્યટન ઉદ્યોગને ફટકો પડવાના કારણે સ્થિતિ કથળી છે. જે પણ કારણ હોય, શ્રીલંકાનો વિદેશી મુદ્રાનો ભંડાર તળિયે આવી ગયો છે તે વાસ્તવિકતા છે. આ કારણે આયાત, તેલ, દવાઓ અને જરૂરી ચીજ-વસ્તુઓની ભારે તંગી વર્તાઈ રહી છે.
શ્રીલંકાની આયાત કરવા માટેની ક્ષમતા નબળી પડી ગઈ હોવાના કારણે કોઈ પણ દેશને ધબકતું રાખવા માટે જરૂરી એવું પરિવહન ક્ષેત્ર ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. શ્રીલંકન સરકારે ગત ૨૭મી જૂનથી ઈંધણની આપૂર્તિ બંધ કરી દીધી હતી અને માત્ર આવશ્યક સેવાઓ માટે જ પેટ્રોલ-ડીઝલની મંજૂરી છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલ સ્ટેશનોની બહાર અનેક માઈલ લાંબી લાઈનો જાેવા મળી રહી છે અને તેમાં હિંસાની અનેક ઘટનાઓ પણ સામે આવી છે.
શ્રીલંકાની આર્થિક ગતિવિધિઓનું ગઢ ગણાતા કોલંબો સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલ માટે લાંબી લાઈનો જાેવા મળી રહી છે. અમુક કલાકો નહીં પરંતુ અમુક દિવસો સુધી લાઈનોમાં ઉભા રહીને લોકો ઈંધણ મેળવી રહ્યા છે. લોકો ૫-૫ કિમી લાંબી લાઈનોમાં ઉભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જાેઈ રહ્યા છે. જાેકે વારો આવે ત્યારે પણ ટાંકી ફુલ નથી થઈ શકતી અને તેઓ ૨-૩ ફેરા કરી શકે તેટલું જ ઈંધણ મળે છે.
લોકો અનેક દિવસો સુધી લાઈનોમાં ઉભા રહે છે જેથી કુદરતી હાજત સહિતની ક્રિયાઓ માટે તેમણે સાર્વજનિક શૌચાલયો પર ર્નિભર બનવું પડ્યું છે. બાપ-દીકરો, ભાઈ-ભાઈ વારાફરતી ઘરેથી આવીને લાઈનોમાં ઉભા રહે છે જેથી અન્યને આરામ મળી શકે. જાેકે, સાર્વજનિક શૌચાલયોમાં પણ લૂંટ મચી છે. પેશાબ કરવા માટે ૨૦ રૂપિયા જ્યારે સ્નાન માટે ૮૦ રૂપિયા ઉઘરાવાઈ રહ્યા છે જેથી લોકો ૩-૩ દિવસ નાહ્યા વગર ચલાવી રહ્યા છે.
અનેક દિવસો સુધી લાઈનમાં ઉભા રહેવાના કારણે લોકોના કામ-ધંધાને પણ અસર થઈ રહી છે અને અનેક લોકો લેપટોપ વડે પોતાના કામને ન્યાય આપવા પ્રયત્ન કરે છે. જાેકે તેમાં પણ ચાર્જિંગ વગેરેની મુશ્કેલી પડી રહી છે. ઘણી વખત ગરમીમાં લાઈનોમાં ઉભેલા લોકો વચ્ચે ઝગડા જાેવા મળે છે. ઉપરાંત ઘણી વખત વાહનોમાંથી ચીજ-વસ્તુઓની ચોરી પણ થઈ રહી છે. જાેકે આજુબાજુના દુકાનદારો લાઈનોમાં ઉભેલા લોકોને પોતાનું ટોઈલેટ વાપરવા માટે આપીને માનવતા દાખવી રહ્યા છે. ગાડીમાં પેટ્રોલ ઓછું હોવાના કારણે લોકો ધક્કા મારીને પોતાના વાહનને આગળ ધપાવે છે અને લાંબો સમય ગાડીમાં રહેવા માટેની તૈયારી કરીને જ નીકળે છે.