વહેલી સવારે જ જાહેરાત કરવામાં આવી હતી કે આજે લેવાનારી જુય ક્લાર્કની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે કારણ કે પેપર ફૂટી ગયું હતું.
ભલે હાલમાં સરકારે પરીક્ષા રદ કરી નાખી છે પરંતુ સરકારની વાતોથી વિદ્યાર્થીઓ હાલ સંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું નથી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં અનેક બસ સ્ટેન્ડ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવાની ઘટનાઑ પણ સામે આવી રહી છે.
પરીક્ષા રદ થતાં જ વિદ્યાર્થીઓના આક્રોશનો કોઈ પાર રહ્યો ન હતો અને જેને લઈને ગુજરાતભરમાં તમામ ST બસમાં ઉમેદવારોને મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. જોકે પેપર રદ્દ થાય તે પછી જ કેમ આવી જાહેરાત કરવામાં આવે છે તે પણ એક સવાલ છે.
કેમ કે સરકાર પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને આવી સુવિધા કેમ નથી આપતી એના વિશે પણ વિચારવું જોઈએ. કારણ કે ST બસ સ્ટેન્ડ પર જ કેટલાક ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગયા હોય તેવી ઘટના પણ સામે આવી છે.
ઉમેદવારો ભાવુક થઈ ગયા. ઉમેદવારોએ આજની આ ઘટના અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી કે ‘અમે પરીક્ષા માટે બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. અમે છેક પાલીતાણા અને ભાવનગરના ગામડામાંથી અહીં પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. અમારા વાલીઓ અમને કાળી મજૂરી કરીને ભણાવે છે. પૈસાવાળી પાર્ટી છે એ પેપર ફોડી નાખે છે. સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ…