India News: ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનોને ફાંસીની સજા આપવાના નિર્ણય પર ખાડી દેશ કતારની એક અદાલતે રોક લગાવી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે દહરા ગ્લોબલ કેસમાં કતારની અપીલ કોર્ટના આજના નિર્ણયની નોંધ લીધી છે, જેમાં સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
અમે વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. કતારમાં અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ આજે એપેલેટ કોર્ટમાં હાજર હતા. પીડિતોના પરિવારના સભ્યો પણ હતા. અમે કેસની શરૂઆતથી તેમની સાથે ઉભા છીએ અને તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે આ મામલો કતારના સત્તાવાળાઓ સાથે પણ ઉઠાવવાનું ચાલુ રાખીશું.
શું છે મામલો?
આ મામલો સૌપ્રથમ 30 ઓગસ્ટે પ્રકાશમાં આવ્યો જ્યારે કતારની ગુપ્તચર સંસ્થા ‘નેશનલ સિક્યુરિટી બ્યુરો’એ આઠ પૂર્વ નૌસેના અધિકારીઓની ધરપકડ કરી. તેમને કોઈ આરોપ વિના અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને એકાંત કેદમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેના પર જાસૂસીનો આરોપ છે. જે બાદ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કતારની ફર્સ્ટ ઈન્સ્ટન્સ કોર્ટ દ્વારા મૃત્યુદંડનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે શરૂઆતથી જ આઠ લોકોના પરિવાર સાથે ઉભા છીએ. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વધુ બોલવું અમારા માટે યોગ્ય રહેશે નહીં. અમે કતાર પ્રશાસન સાથે આ મામલો સતત ઉઠાવતા આવ્યા છીએ અને કરતા રહીશું.
અહેવાલો અનુસાર, નિવૃત્તિ પછી આ તમામ ખલાસીઓ કતારની ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસમાં કામ કરતા હતા. આ કંપની કતારી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. કંપની પોતાને કતાર સંરક્ષણ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના સ્થાનિક ભાગીદાર તરીકે વર્ણવે છે.