Medical Inflation in India: સામાન્ય રીતે કોઈ પણ ઘર હોય એમાં સરેરાશ ભારતીયોની આવકનો મોટો હિસ્સો મેડિકલ બિલ પાછળ ખર્ચવામાં આવે છે. દેશમાં આ વર્ષે મોંઘવારીએ લોકોને પરેશાન કર્યા છે, ત્યારે વધતા મેડિકલ બિલોએ પણ લોકોને ભારે આર્થિક સંકટમાં મુકી દીધા છે. એશિયાની વાત કરીએ તો ભારતમાં તબીબી ફુગાવાનો દર સૌથી વધુ છે. ઈન્સ્યોરટેક કંપની પ્લમના ‘કોર્પોરેટ ઈન્ડિયા હેલ્થ રિપોર્ટ 2023’ અનુસાર ભારતમાં મેડિકલ મોંઘવારી દર 14 ટકા પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં દેશના સામાન્ય લોકો પર મેડિકલ ખર્ચનો બોજ સતત વધી રહ્યો છે. આવા આંકડા બહાર આવ્યા છે કે જે જોઈને લોકોના હાજા ગગડી ગયા છે.
આરોગ્ય વીમા ઓછા લોકો પાસે છે
એક પ્રકાશિત અહેવાલ મુજબ મેડિકલ બિલમાં વધારો થવાને કારણે કર્મચારીઓ પર વધારાનું નાણાકીય દબાણ છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે દેશના 71 ટકા કર્મચારીઓ મેડિકલ બિલ પોતે ચૂકવે છે અને માત્ર 15 ટકા કંપનીઓ તેમના કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમા કવચ પ્રદાન કરે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વધી રહેલા મેડિકલ ખર્ચે 9 કરોડથી વધુ ભારતીયોના જીવનને અસર કરી છે અને તેમની આવકના 10 ટકાથી વધુ રકમ રોગોની સારવારમાં ખર્ચવામાં આવે છે.
અગાઉ, નીતિ આયોગે તેના અહેવાલમાં જણાવ્યું છે કે દેશમાં 2030માં નોકરી કરનારા લોકોની સંખ્યા વધીને 56.9 કરોડ થઈ જશે. જ્યારે 2022માં તેમની સંખ્યા માત્ર 52.2 કરોડ હતી. આવી સ્થિતિમાં રોજગારી મેળવનારાઓની સંખ્યામાં વધારો થવા છતાં દેશમાં સ્વાસ્થ્ય વીમા કવચમાં કોઈ વધારો થયો નથી, જે ચિંતાજનક સ્થિતિ છે.
યુવાનોમાં સ્વાસ્થ્ય વીમા અંગે જાગૃતિ ઓછી છે
20 થી 30 વર્ષના યુવાનોમાં કંપનીઓ દ્વારા આપવામાં આવતી આરોગ્ય વીમા સુવિધાઓ અંગે બહુ ઓછી જાગૃતિ છે. તે જ સમયે 51 કે તેથી વધુ ઉંમરના લોકો વધુ સ્વાસ્થ્ય વીમો ખરીદે છે. આ સાથે 42 ટકા લોકોએ એ વાત પર પણ સહમતિ દર્શાવી છે કે કંપની દ્વારા આપવામાં આવતા સ્વાસ્થ્ય વીમાને કર્મચારી મૈત્રીપૂર્ણ બનાવવાની જરૂર છે. આ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ભારતમાં કાર્યરત કંપનીઓમાંથી માત્ર 15 ટકા જ તેમના કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમો તેમજ ટેલિહેલ્થ વગેરે જેવી ઘણી સુવિધાઓ પૂરી પાડે છે.
ભારતીયો સ્વાસ્થ્ય તપાસ કરાવવામાં પાછળ છે
‘કોર્પોરેટ ઈન્ડિયાઝ હેલ્થ રિપોર્ટ 2023’ના રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે માત્ર સ્વાસ્થ્ય વીમો જ નહીં પરંતુ દેશના લોકો સ્વાસ્થ્ય તપાસ કરાવવામાં પણ પાછળ છે. દેશમાં 59 ટકા લોકો એવા છે જેઓ તેમની વાર્ષિક હેલ્થ ચેકઅપ કરાવતા નથી. 90 ટકા લોકો એવા છે જેઓ તેમના સ્વાસ્થ્ય પર યોગ્ય ધ્યાન આપતા નથી.