World News: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી છે. તેમણે કહ્યું છે કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાના કારણે ભારતને સુરક્ષા પરિષદમાં ચોક્કસપણે સ્થાન મળવું જોઈએ. વૈશ્વિક દેશોના સભ્યો વિશે પોતાનો મત રજૂ કર્યો છે અને તેમણે UNSC માં ભારતની સ્થાયી સદસ્યતાનું જોરદાર સમર્થન કર્યું છે.
એલોન મસ્કે પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું છે કે વિશ્વની સૌથી મોટી સંસ્થા સંયુક્ત રાષ્ટ્રમાં કોઈક સમયે ફેરફાર કરવાની જરૂર છે. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાના કારણે ભારતને ચોક્કસપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાન મળવું જોઈએ. આમ ન કરવું એ વાહિયાત છે. તેમણે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસનું ટ્વીટ શેર કરીને પોતાનો મત વ્યક્ત કર્યો છે. ટેસ્લાના વડા એલોન મસ્કએ કહ્યું કે આફ્રિકા માટે સામૂહિક રીતે એક બેઠક પણ હોવી જોઈએ.
હકીકતમાં, ગુટેરેસે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આફ્રિકાનું નેતૃત્વ કરવા માટે કોઈ નથી. જેના જવાબમાં મસ્કે આ પોસ્ટ કરી છે. નોંધનીય છે કે હાલમાં પાંચ દેશો – અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયા – UN સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યો તરીકે સામેલ છે. તેની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી.
યુએન સેક્રેટરી જનરલના ટ્વીટ બાદ વિવાદ
મળતી માહિતી અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ટ્વીટ કરીને UNSCના સ્થાયી સભ્ય દેશોમાં કોઈ પણ આફ્રિકન દેશનું પ્રતિનિધિત્વ ન હોવા પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અમે કેવી રીતે સ્વીકારી શકીએ કે આફ્રિકા પાસે હજુ પણ સુરક્ષા પરિષદમાં એક પણ કાયમી સભ્ય નથી?
તેમણે વધુમાં કહ્યું કે, સંસ્થાઓએ આજની દુનિયા પ્રમાણે કામ કરવું જોઈએ, 80 વર્ષ પહેલા બનાવેલા નિયમો પ્રમાણે નહીં. સપ્ટેમ્બરની ફ્યુચર સમિટ વૈશ્વિક ગવર્નન્સ રિફોર્મ્સ પર વિચારણા અને વિશ્વાસ પુનઃનિર્માણ કરવાની તક હશે.
ગુટેરેસની આ પોસ્ટનો જવાબ આપતા અમેરિકામાં જન્મેલા ઈઝરાયલી ઉદ્યોગપતિ માઈકલ ઈસેનબર્ગે પૂછ્યું કે તમે ભારત વિશે શું વિચારો છો. તે વધુ સારું રહેશે કે યુએનને નાબૂદ કરવામાં આવે અને વાસ્તવિક નેતૃત્વ સાથે કંઈક નવું બનાવવું જોઈએ.
જાણો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ શું છે?
તમને જણાવી દઈએ કે સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાનું કામ કરે છે. તેમાં 15 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં પાંચ કાયમી અને 10 અસ્થાયી સભ્યોનો સમાવેશ થાય છે. કાયમી સભ્યોમાં યુએસ, યુકે, ચીન, ફ્રાન્સ અને રશિયાનો સમાવેશ થાય છે, જેમની પાસે વીટો પાવર છે. ઉપરાંત, સામાન્ય સભાના 10 બિન-સ્થાયી સભ્યો બે વર્ષની મુદત માટે ચૂંટાય છે.