સંસદ બહાર TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિ ધનખડની કરી મિમિક્રી, રાહુલ ગાંધીએ વીડિયો બનાવ્યો, રાજ્યસભાના અધ્યક્ષ ભડક્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

National News: આ જે વિપક્ષના વિરોધ પ્રદર્શન દરમિયાન TMC કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ કલ્યાણ બેનર્જી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરતા જોવા મળ્યા હતા. બંને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ પરિસર પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. એ વખતે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની નકલ કરી રહ્યા હતા, ત્યારે આ સમયે રાહુલ ગાંધી તેમનો વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા.

સંસદના શિયાળુ સત્રના આજે છેલ્લા દિવસે રાજ્યસભામાં સસ્પેન્ડ થયેલા વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં વિરોધ કરી રહ્યા હતા. એ વખતે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનરજીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. આ દરમિયાન અનેક વિપક્ષી સાંસદો તેમને જોઈને હસી રહ્યા હતા. ત્યાં રાહુલ ગાંધી પણ હાજર હતા. તેઓ પણ હસતા હસતા તાળીઓ પાડતા દેખાયા હતા. એટલું જ નહીં, તેમણે કલ્યાણ બેનરજીનો મિમિક્રી કરતો વીડિયો પણ શૂટ કર્યો હતો. આ જોઈને ધનખડ ખૂબ ગુસ્સે ભરાયા હતા.

વિપક્ષી સાંસદોનો સંસદ બહાર હંગામો

આજે સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં હંગામો કરીને દેખાવો કર્યા હતા. સૂત્રોચ્ચાર કર્યા બાદ તેઓ ગાંધીજીની પ્રતિમાની સામે બેસી ગયા હતા. બાદમાં સંસદ પ્રવેશદ્વારના પગથિયા પર બેસીને તેઓ ચર્ચા કરતા હતા ત્યારે તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ ધનખડની નકલ કરીને ટીખળ કરવાનું શરૂ કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી પર ભાજપની લાલ આંખ

સાંબિત પાત્રાએ પણ તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીનો મિમિક્રી વીડિયો તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમણે કેપશનમાં લખ્યું હતું કે “દેશ યાદ રાખશે.. જ્યારે દેશના ઉપરાષ્ટ્રપતિ અને બંધારણ સંસ્થાની મજાક ઉડાવવામાં આવી, ત્યારે રાજકુમાર વીડિયો ઉતારી રહ્યા હતા. ભારતને તોડનારા લોકો સાથે ભારતને જોડવાનો સ્વાંગ રચનારાનો એજન્ડા, જોડવું નહિ તોડવું છે. ઘમંડીઓના ઘમંડનો અંત 2024માં દેશની જનતા અવશ્ય કરશે.” તેવું સાંબિત પાત્રાએ જણાવ્યું હતું.

ભાજપે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનું બતાવ્યું કારણ

ભાજપે સોશિયલ મીડિયા સાઇટ X પર ઘટનાનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, જો દેશની જનતા વિચારી રહી હોય કે શા માટે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તો આ તેનો જવાબ છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ માનનીય ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવી, અને રાહુલ ગાંધીએ તેમને રોકવાને બદલે તેમનો જયજયકાર કર્યો. કોઇ કલ્પના પણ કરી ન શકે કે આ લોકો ગૃહ પ્રત્યે કેટલા બેજવાબદાર અને ઉલ્લંઘનકારી હશે!

આ લોકોને સદબુદ્ધિ આપેઃ ઉપરાષ્ટ્રપતિ

આ ઘટનાને તેમણે શરમજનક ગણાવીને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે, આ અસ્વીકાર્ય છે. આ અત્યંત અધમ કૃત્ય છે. મેં એ વીડિયો જોયો છે, જેમાં એક સાંસદ ઠેકડી ઉડાવે છે અને બીજો સાંસદ તેનો વીડિયો બનાવે છે. ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે.


Share this Article