લોકો નોકરી મેળવવા માટે કેટલી મહેનત કરે છે અને તેઓ શું શું નથી કરતા. તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દેશની જાણીતી કંપનીના એક, બે નહીં પરંતુ સેંકડો કર્મચારીઓ નોકરી મેળવવા માટે બીમારીના બહાને રજા લઈ ગયા. વાસ્તવમાં કર્મચારીઓ અન્ય કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા માંગતા હતા અને તેથી જ કંપનીના અલગ-અલગ શહેરોમાં એકસાથે સેંકડો કર્મચારીઓએ બીમારીના બહાને રજા લઈ લીધી હતી. મામલો ભારતની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોનો છે. શનિવારે ઈન્ડિગોની 55 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બરોએ બીમારીના નામે રજા લીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સંબંધિત ક્રૂ મેમ્બરોએ આ રીતે રજા લીધી હતી અને એર ઈન્ડિયા (AI)ની ભરતી ડ્રાઈવમાં સામેલ થવા ગયા હતા. જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના વડા અરુણ કુમારે કહ્યું, “અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને તેના પર નજર રાખી રહ્યા છીએ.” ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયામાં ભરતી અભિયાનનો બીજો તબક્કો શનિવારે હાથ ધરવામાં આવ્યો હતો. ઈન્ડિગોના મોટાભાગના ક્રૂ મેમ્બર સિક લીવ લીધા બાદ જ આ માટે ગયા હતા.
લોકો શા માટે એર ઈન્ડિયામાં જવા માંગે છે એવો પણ પ્રશ્ન થતો હશે, ઈન્ડિગો હાલમાં દરરોજ લગભગ 1,600 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચલાવે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વેબસાઈટ અનુસાર, શનિવારે ઈન્ડિગોની માત્ર 45.2 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સમયસર ઓપરેટ થઈ હતી. તેની સરખામણીમાં એર ઈન્ડિયા, સ્પાઈસજેટ, વિસ્તારા, ગોફર્સ્ટ અને એરએશિયા ઈન્ડિયાએ શનિવારે અનુક્રમે 77.1 ટકા, 80.4 ટકા, 86.3 ટકા, 88 ટકા અને 92.3 ટકા ફ્લાઈટ્સ સમયસર ઓપરેટ કરી હતી. ઈન્ડિગોના સીઈઓ રોનજોય દત્તાએ 8મી એપ્રિલે કર્મચારીઓને ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે વેતનમાં વધારો એ એક મુશ્કેલ મુદ્દો છે, પરંતુ એરલાઈન તેની નફાકારકતા અને સ્પર્ધાત્મક વાતાવરણના આધારે વેતનની સતત સમીક્ષા કરશે અને તેને સમાયોજિત કરશે. 4 એપ્રિલના રોજ, ઇન્ડિગોએ કેટલાક પાઇલટ્સને સસ્પેન્ડ કર્યા હતા જેઓ કોવિડ-19 રોગચાળાના શિખર દરમિયાન પગારમાં કાપના વિરોધમાં હડતાળ પર જવાની યોજના બનાવી રહ્યા હતા. હવે એવા ઘણા કર્મચારીઓ છે જે ઈન્ડિગોથી એર ઈન્ડિયામાં જવા માંગે છે અને તેથી જ શનિવારે તેઓએ સાથે મળીને બીમારીનું બહાનું બનાવ્યું.
ગયા વર્ષે 8 ઑક્ટોબરે એરલાઇન માટે સફળતાપૂર્વક બિડ જીત્યા પછી, ટાટા જૂથે 27 જાન્યુઆરીથી એર ઇન્ડિયા પર નિયંત્રણ મેળવ્યું. એર ઈન્ડિયા નવા એરક્રાફ્ટ ખરીદવા અને તેની સેવાઓ સુધારવા માટે વિચારી રહી છે અને તેણે તાજેતરમાં નવા ક્રૂ સભ્યો માટે ભરતી ડ્રાઈવ શરૂ કરી છે. એર ઈન્ડિયા સ્પષ્ટપણે ટાટા ગ્રૂપના સક્ષમ નેતૃત્વ હેઠળ પોતાનું પુનર્ગઠન કરી રહી છે, એરક્રાફ્ટ ઉત્પાદક એરબસના ચીફ કોમર્શિયલ ઓફિસર ક્રિશ્ચિયન શેરરે 19 જૂને દોહામાં જણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર માર્કેટ શેર મેળવવા માટે નવા એરક્રાફ્ટમાં રોકાણ કરવા માંગે છે. રોગચાળાની ટોચ દરમિયાન, ઇન્ડિગોએ તેના પાઇલટ્સના પગારમાં 30 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. આ વર્ષે 1 એપ્રિલના રોજ એરલાઈને પાઈલટોના પગારમાં આઠ ટકાનો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે જો કોઈ વિક્ષેપ ન થાય તો નવેમ્બરથી 6.5 ટકાનો બીજો વધારો લાગુ કરવામાં આવશે. જો કે, પાઇલોટ્સનો એક વર્ગ અસંતુષ્ટ રહ્યો અને તેમણે હડતાળનું આયોજન કરવાનો નિર્ણય કર્યો.