રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લશ્કરી કાર્યવાહીના આદેશ આપ્યા બાદ રશિયા યુક્રેન પર મિસાઈલ હુમલા કરી રહ્યું છે. આ રશિયન હુમલામાં 10 નાગરિકો સહિત 50 લોકોના મોત થયા છે. યુક્રેને 50 રશિયન સૈનિકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ રશિયા સામે ઝૂકશે નહીં કે શરણે નહીં આવે. બંને દેશ એકબીજાને પોતાની તાકાત બતાવી રહ્યા છે. રશિયન ટેન્કો યુક્રેનમાં પ્રવેશી છે અને વિસ્ફોટો સંભળાઈ રહ્યા છે. રશિયાએ એક સાથે યુક્રેનના અનેક શહેરો પર હુમલો કર્યો છે. રશિયન સેનાએ પણ રાજધાની કિવમાં ઘૂસીને હુમલા શરૂ કરી દીધા છે. નાટોના હસ્તક્ષેપ પર રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે યુક્રેન સામે પીછેહઠ કરશે નહીં.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે બંને દેશોની તાકાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ સૈન્ય ક્ષમતા અને હથિયારોના મામલામાં રશિયા યુક્રેન કરતા ઘણું આગળ છે. હવે આ દરમિયાન, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ તેના ‘ફાધર ઓફ ઓલ બોમ્બ્સ’ (FOAB) નો ઉપયોગ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુતિને યુક્રેનમાં આ બોમ્બના ઉપયોગની મંજૂરી આપી છે. ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ એ બિન-પરમાણુ બોમ્બ છે, પરંતુ અત્યંત શક્તિશાળી છે. એક બ્રિટિશ અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં આ બોમ્બનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.
રશિયા પાસે થર્મોબેરિક બોમ્બ છે અને તે 300 મીટરની ત્રિજ્યામાં વિસ્ફોટ કરી શકે છે. આ પછી ભારે નુકસાન થવાની સંભાવના છે. રશિયાએ વર્ષ 2007માં ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ બનાવ્યું હતું અને તે જ વર્ષે તેનું પરીક્ષણ પણ કર્યું હતું. આ દરમિયાન નિષ્ણાતોએ કહ્યું હતું કે તે યુએસ વર્ઝન કરતાં 4 ગણું વધુ પાવરફુલ છે. રશિયાના ‘ફાધર ઓફ ઓલ બોમ્બ’ અમેરિકાના ‘મધર ઓફ ઓલ બોમ્બ’ કરતા વધુ શક્તિશાળી છે. રશિયન બોમ્બની વિસ્ફોટક ક્ષમતા 44 ટન TNT છે.