અમેરિકાએ ઓસામા બિન લાદેનની સ્ટાઈલમાં જ અલકાયદાના આકા અયમાન અલ-જવાહિરીને અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં બનેલા સુરક્ષિત ઠેકાણા પર ડ્રોન મિસાઈલથી હુમલો કરીને ઠાર કરી દેવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને જવાહિરીને મારવાની પુષ્ટી કરી છે. જવાહિરીએ પહેલા પાકિસ્તાનમાં છૂપાયેલો હતો, પરંતુ તાલિબાન સરકાર આવ્યા બાદ તે કાબુલ પહોંચ્યો હતો.
કહેવાય છે કે તાલિબાની ગૃહમંત્રી અને કુખ્યાત આતંકી સિરાજુદ્દીન હક્કાનીએ પોતાના એકદમ સુરક્ષિત ગણાતા ઠેકાણા પર જવાહિરીને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે જવાહિરીને વારંવાર પોતાના ઘરની બાલ્કનીમાં આવવાની આદત હતી જે તેને ભારે પડી ગઈ છે. બાલ્કનીમાં આવવાની આદતના કારણે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએના અધિકારીઓએ જવાહિરીને કાબુલમાં છુપાયેલો હોવાની માહિતી મળી હતી અને તેને રિપર ડ્રોનથી હેલફાયર મિસાઈલ છોડીને તેનું કામ તમામ કરી નાખ્યું છે.
આ જાેરદાર સફળતા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે અમે અમારા દુશ્મનોને એ બતાવવા ઈચ્છીએ છીએ કે તેઓ ક્યાંય પણ છૂપાયેલા હશે અમે તેમને ઠાર કરીશું. જવાહિરી ૭૧ વર્ષનો થઈ ગયો હતો અને તે લાદેનના મોત બાદ ૧૧ વર્ષથી પોતાના વિડીયો જાહેર કરીને દુનિયાને ધમકી આપતો હતો. અમેરિકાએ જવાહિરી સામે કરોડો રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. જવાહિરી લાદેનનો અંગત ડૉક્ટર પણ હતો. કહેવાય છે કે તાલિબાની ગૃહમંત્રી શિરાજુદ્દીન હક્કાનીએ જવાહિરીને શરણ આપી હતી.
આ હુમલામાં હક્કાનીના દીકરા અને જમાઈનું પણ મોત થયું હોવાની ખબરો સામે આવી રહી છે. આ હુમલામાં હક્કાનીના સગા કમાન્ડરનું પણ મોત થઈ ગયું હોવાની ખબરો છે. જવાહિરી સાથે તેનો પરિવાર આ મકાનમાં જ રહેતો હતો. બાઈડનના આદેશ પર અમેરિકાએ ગયા શુક્રવારે નિશાના પર જ હુમલો કર્યો હતો જેમાં તેને ઠાર કર્યો હતો. અધિકારીઓએ જમાવ્યું કે હુમલા દરમિયાન અમેરિકાની કાબુલમાં નહોતી. અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે અમેરિકાને જવાહિરી અંગે માહિતી હતી જે દોહા સમજુતિનું સીધે-સીધું ઉલ્લંઘન હતું.
અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે આ હુમલામાં જવાહિરીના પરિવારને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ હુમલા અંગે તાલિબાનને કોઈ જાણકારી નહોતીઆપી. આ હુમલાના કારણે તાલિબાનની સરકાર ભડકી છે અને તેણે અમેરિકાને ચેતવણી આપી છે. તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહે કહ્યું કે ૩૧ જુલાઈએ કાબુલ શહેરના શેરપુર વિસ્તારમાં એક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા અંગે કોઈ માહિતી નહોતી મળી પરંતુ ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા હુમલાની તપાસ કરાઈ છે. શરુઆતની તપાસમાં માલુમ પડ્યું છે કે અમેરિકાએ ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો.
જવાહિરીના મોત પર જબીઉલ્લાએ કહ્યું કે તાલિબાન સરકારે આ હુમલાની કડક નિંદા કરી છે અને તેને આંતરાષ્ટ્રીય સિંદ્ધાંતો અને દોહા સમજુતીનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે. બીજી તરફ બાઈડને જવાહિરીના મોતની જાહેરાત કરીને કહ્યું કે આ આતંકી અમેરિકા પર થયેલા ૯/૧૧ હુમલામાં જાેડાયેલો હતો, જેમાં લગભગ ૩,૦૦૦ લોકોના મોત થયા હતા. પાછલા ઘણાં દાયકાઓથી અમેરિકાના નાગરિકોની હત્યાનો જવાહિરી માસ્ટર માઈન્ડ હતો. તેમણે કહ્યું કે હવે ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી ૬ મહિના પહેલા જવાહિરીને અફઘાનિસ્તાન પહોંચ્યો હોવાની ખબર મળી હતી. તે પોતાના પરિવાર સાથે રહેવા માટે પહોંચ્યો હતો.