સંસ્કારી નગરી વડોદરામાંથી એક કિસ્સો સામે આવ્યો છે જે આખા ગુજરાતને હચમચાવી રહ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની આ ઘટનામાં એક માતાએ જ પોતાની બે દિકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા દક્ષાબેન ચૌહાણ ઘણા સમયથી અહીં રહે છે. તેમના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે તેમની દિકરીઓ સાથે ભાડાના મકાનમાં રહે છે. તેમને એક 19 અને એક 8 વર્ષની એમ સંતાનમાં 2 દિકરીઓ હતી.
હવે આજે વહેલી સવારે એવું બન્યું કે દક્ષાબેને આ દીકરીઓને ઝેરી દવા આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ દક્ષાબેને પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, લોકો દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા છે. તપાસ કરી તો બ્લેડ તેમજ ઝેરી દવાના નમુના પણ કબજે કર્યા. તેમજ સુસાઇડ નોટ પણ પોલીસે કબજે કરી છે. હાલમાં દક્ષાબેનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસને જેવી જ આ ઘટના અંગે જાણ થઈ કે તરત જ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. જ્યાં પોલીસની ટીમ દ્વારા આ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, બે દિકરીઓની હત્યા કરનાર માતા હાલ સારવાર હેઠળ છે.
જેથી આ મામલે હાલ કારેલીબાગ પીઆઈએ તપાસ આરંભી છે. ત્યારે હવે તપાસ બાદ જ માતાએ દિકરીઓની હત્યા કર્યા બાદ કેમ આપઘાતનો પ્રયાસ કર્યો તેનું રહસ્ય ખૂલશે. પરંતુ આ કિસ્સાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે કે આખરે એક માતા પોતાના સંતાન સાથે આવું કઈ રીતે કરી શકે?