India News: છેલ્લા બે અઠવાડિયાથી નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે હવે એક ઉભો માર્ગ તૈયાર કરવા માટે ટનલની ટોચ પરથી રવિવારે ડ્રિલિંગ શરૂ થયું હતું. અહીંના અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ટિકલ ડ્રિલિંગ કરતી અમેરિકન ઓગર મશીન તૂટી ગયાના એક દિવસ બાદ વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના મેનેજિંગ ડિરેક્ટર મહમૂદ અહેમદે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને 15 મીટરનો ભાગ ડ્રિલ કરવામાં આવ્યો છે.
અહેમદે મીડિયાને કહ્યું કે જો કોઈ અડચણ નહીં આવે તો આ માર્ગ દ્વારા ફસાયેલા કામદારો સુધી પહોંચવામાં 100 કલાકનો સમય લાગશે. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે બચાવકર્તાઓએ ટોચથી 86 મીટર સુધી ડ્રિલ કરવું પડશે. ડ્રિલિંગ કરી રહેલા ઓગર મશીનના બ્લેડ કાટમાળમાં ફસાઈ ગયા હતા, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.
ચારધામ યાત્રા રૂટ પર બનાવવામાં આવી રહેલી સિલ્ક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો, જેમાં કામ કરતા કામદારો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે ઘણી એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા બચાવ કાર્યમાં મદદ કરવા માટે નિયુક્ત નોડલ ઓફિસર નીરજ ખૈરવાલે જણાવ્યું હતું કે કાટમાળમાં ફસાયેલા ઓગર મશીનના ભાગોને પ્લાઝમા કટર અને લેસર કટર વડે કાપીને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.