કાગળ, કલમ અને હું
મારું લખાણ…
મારું લખાણ મારું વ્યક્તિત્વ છે.
મારી લાગણીઓનું પ્રતિબિંબ છે.
મારા વિચારોનો મૌન અવાજ છે.
મારા દરેક પ્રશ્નનો પોતાને જ જવાબ છે.
મારું લખાણ મારા જીવનનું દર્પણ છે.
આ લખાણ મેં નથી સર્જ્યું છતાંય એ મારું છે.
આ શબ્દોને મેં નથી ગોઠવ્યા એ તો આ કાગળ-કલમની દેન છે.
એટલે જ કહું છું કે,
મેં આ લખાણને નય પણ આ લખાણે મને સાચવી રાખી છે.
હું તો હાથમાં કલમ રાખી, કાગળ લઇ એમ જ બેસી હોઉં,
ને શબ્દો આપમેળે વહેવા માંડે છે.
આંખોની પાંપણોથી સીધા કાગળ પર ઝરે છે.
જાણે હૃદયનું મૌન કાગળ પર ઉતરવા લાગે છે.
અને આ કાગળ…
આ કાગળ મારા દરેક ભાવને શાંતપણે સાંભળે છે.
એ માત્ર જગ્યા આપે છે,
કોઈ જ સવાલ કે કોઈ જ ટીકા વગર.
મારા મનની અંદર છુપાયેલી વાતોને એ સાચવી રાખે છે.
તો આ કાગળ અને કલમ વચ્ચે,
હું એક મૌન સાક્ષી બની બેઠી છું.
કાગળ-કલમનો આ પોતીકો સંવાદ કોઈ બીજા સુધી પહુંચે કે નહીં,
પણ એ સાક્ષીરૂપી લેખક સુધી જરૂર પહુંચે છે.
અને આ મૌન વાતચીત એ લેખકને જીવંત રાખે છે.
એટલે જ કહું છું કે,
હું લખતી નથી. હું શબ્દોને ગોઠવતી નથી.
એ તો આ કાગળ-કલમની જુગલબંધી છે જે શબ્દોનો રસધાર કરે છે.
કારણ કે હું તો પોતાનેય જાણતી નથી.
પણ મારી કલમ મને પોતાની જાત સાથે અવગત કરાવે છે.
કાગળ પર ઉતરેલા આ શબ્દો બીજાના માટે નહિ,
પણ મારા પોતાના માટેનો આયનો છે.
જેમાં હું અંતરયાત્રા કરું છું અને પોતાને મળી જાવ છું.
માટે હું લખું છું.
લખું છું મારા વિચારોને, અનુભવોને, અને મંતવ્યોને.
કારણ કે,
લખવું એ પોતાને મળવાનો પ્રયત્ન છે.
લખવું એ પોતાને સમજવાનો માર્ગ છે.
એ પોતાની અંદરની દુનિયામાં એક ટહુકો છે.
માટે લખવું એ હવે માત્ર એક શોખ નથી, પણ જીવતરની જરૂરિયાત છે.
અને એટલે જ મારા માટે લખવું એ જીવવાનું બીજું નામ છે.