દેશ-વિદેશના ભક્તોની આસ્થા સાથે સંકળાયેલા અંબાજી મંદિરમાં ઘણા સમયથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. માઈભક્તોથી લઈને અનેક નેતાઓ પણ રોષે ભરાયા છે. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા તંત્ર ટસનું મસ થતું નથી તેવામાં સંતોનો એક જ મત છે કે અંબાજીમાં પ્રસાદ તરીકે મોહનથાળ જ આપવો જોઈએ, જેમાં લોકોની શ્રદ્ધા જોડાયેલી છે.
મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા ગુજરાતમાં અનેક સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં છે. વિશ્વ હિંદુ પરિષદે પણ આંદોલનમાં આક્રમકતાથી મેદાને ઉતર્યું છે ત્યારે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આંદોલનને આગળ નહીં વધારવા વીએચપીના આગેવાનો ઉપર દબાણ શરૂ કર્યું હોવાના સમાચાર મળ્યા છે.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો વીએચપીના આગેવાનો અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના હોદ્દેદારો સાથે કાર્યક્રમમાં એક મુલાકાત થઈ હતી. કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ વીએચપીને આંદોલન ન કરવા ની વાત કરી હતી. જેના કારણે વિએચપી સહિતનાં હિન્દુ સંગઠનો સરકારની સામે આવી ગયાં હોવાનું સામે આવ્યું છે. વીએચપીના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે જણાવ્યું કે, પ્રસાદ મુદ્દે સરકાર પાસે કોઈ સ્પષ્ટતા જ નથી. તેમના જવાબદાર મંત્રી જાહેરમાં આવીને બેફામ નિવેદનો કરે છે કે, મોહનથાળ તો કોઈ સંજોગોમાં ફરી શરૂ થશે નહીં. આ નિવેદન બિલકુલ અયોગ્ય છે.
રતન ટાટા માટે ખૂબ જ ખાસ છે આ વ્યક્તિ, રોજ કમાય છે 30 લાખ રૂપિયા, જાણો સંપત્તિ અને કુલ આવક વિશે
અશોક રાવલે આગળ વાત કરી કે ગૃહમંત્રીએ આંદોલન અટકાવવાની વાત કરી છે, પણ વીએચપીને સરકાર અથવા તેમના એકેય મંત્રી ઉપર ભરોસો નથી તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું. વીએચપીના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે વળતો જવાબ આપતાં ગૃહમંત્રી સંઘવીને કહ્યું હતું કે તમે જૈન છો તો પહેલાં મહુડીનો પારંપરિક સુખડીનો પ્રસાદ બદલો. તેમણે પ્રસાદ મુદ્દે આંદોલન ચાલુ જ રહેશે તેમ સ્પષ્ટ સંભળાવી દીધું હતું. સંઘવીએ બાદમાં કહ્યું હતું કે તેઓ વીએચપી સાથે વાત કર્યા બાદ પ્રતિભાવ આપશે.