Gj-10 – ગુજરાતનું એક પ્રસિદ્ધ શહેર આજે રિલાયન્સ, મેટલ ઉદ્યોગ અને બાંધણીના કારણે જગવિખ્યાત છે. સાથે સાથે ઘૂઘરા જેવી સ્વાદિષ્ટ વાનગી અને વાનગી રસિકો માટે પણ જાણીતું છે .ત્રણ ફોર્સ એક જ જગ્યાએ જ્યાં રાત દિવસ સ્વસ્ત એવી ધરખમ ધરતીના ખોળેથી એવા જ ધરા ધ્રુજાવનાર, ધરા ખીલાવનાર, ધરા ડોલાવનાર, ધરા મહેકાવનાર અને અલગ અલગ સજ્જન નારીઓ પણ પ્રખ્યાત અને સુખ્યાત છે. ક્રિકેટરો, કલાકારો, સાહિત્યકારો આ જામનગરના આંગણમાં ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધ્યા છે અને. એવી જેની માતૃભૂમિ છે એવા એક સ્વયંસિધ્ધા નારીની વાત મારે અહીં કરવી છે. એ નામ જે આજે જામનગર શહેર-જિલ્લાના ખૂણે ખૂણે ખૂબ આદરપૂર્વક લેવાય છે, એટલે કે ધારાબેન પુરોહિત. કે જેઓ પુષ્પાજંલિ નામે એક સેવાકીય સંસ્થા ચલાવે છે અને આ સંસ્થાએ આજે 7 વર્ષ પુરા કર્યા છે. ત્યારે જાણો ધારા પુરોહિત વિશે અને અમેની અખુટ સેવાઓ વિશે….
શૈક્ષણિક કારકિર્દી પણ ઉત્તમ
ધારા બેન પુરોહિત- એ હાલ સ્ત્રીઓ અને યુવાનોના આદર્શ ગણાય છે, તેમનું વ્યક્તિત્વ સાદગીપૂર્ણ સાલસ અને સૌજન્ય સભર છે .સકારાત્મકતા એમનામાં ભરપૂર છે જે એમને મળનાર કોઈપણ વ્યક્તિ અનુભવી શકે છે અને અનુભૂતિ પણ કરી શકે છે. તેમની શૈક્ષણિક કારકિર્દી પણ ઉત્તમ છે તેઓએ એમ.એ બી.એડ મનોવિજ્ઞાન સાથે કર્યું છે. માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે સમાજકાર્ય પારંગત પણ છે. પ્રથમ અંગ્રેજી વિષય સાથે બી.એ અને બાદમાં મનોવિજ્ઞાન વિષય સાથે BAની ડીગ્રી મેળવી હોય તેવો ડબલ ગ્રેજ્યુએટ તથા ડબલ માસ્ટર ડિગ્રી ધરાવનાર જ્ઞાતા છે. આ સાથે તેમણે કથક, સંગીત (ગાયન), સંસ્કૃત વગેરે કળાઓમાં પણ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું છે, તેમજ ઘણી સ્પર્ધાઓના વિજેતા રહી ચૂક્યા છે.
અનેક ટેલેન્ટનો ખજાનો
ધારા બેનનો જન્મ જામનગરમાં, પિતા માધ્યમિક શાળાના નિષ્ઠાવાન આચાર્ય, શિક્ષિત માતા અને શૈક્ષણિક કારકિર્દી ધરાવતા કુટુંબમાં થયેલો. પિતા શ્રી સુભાષભાઈ પુરોહિતના નોકરીના સ્થળ મુજબ સિક્કા, રાણાવાવ, માંગરોળ અને અંતે પુનઃ જામનગર રહેવાનું થયું. માતા-પિતાનો હેતાવડો સ્વભાવ છતાં બાળપણમાં ધારા મિતભાષી ખૂબ ઓછું બોલે, એકાંતપ્રિય, પરંતુ જેમ કડી ધીમે ધીમે ખીલે તેમ સમયાંતરે ધારાબેનનું વ્યક્તિત્વ ખીલતુ ગયું. એક સમયે પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદ વિશે વકતૃત્વ સ્પર્ધામાં લોકો (વિદ્યાર્થીઓ) વચ્ચે બોલવાના ભયથી રડી પડનાર છોકરી આજે હજારોની સંખ્યામાં શ્રોતા અને દર્શકોને પોતાની વાણીથી મંત્રમુગ્ધ કરી દે છે આ તેમની વિશેષતા છે. તેઓ ખૂબ સારા કર્ણપ્રિય વક્તા છે તેમનો વિષય મનોવિજ્ઞાન અને “માણસ” તેમનો પ્રિય વિષય છે. તેઓ સ્ત્રીઓ, બાળકો ,યુવાનો, સંબંધો, ડિપ્રેશન વગેરે વિષયો પર ઉત્તમ વક્તવ્ય આપે છે, સેમિનાર લે છે અને લોકો ‘થોડા ઓર ,થોડા ઓર ‘કહેતા હોય છે. એવું રસમાધુર્ય ધારા બેનની વાકકળામાં સમાવિષ્ટ છે.
ધારા પુરોહિતની ઈચ્છા
સાથે જ વાત કરીએ તો તેઓ મનોવૈજ્ઞાનિક સલાહકાર છે. તેઓ છેલ્લા 13 વર્ષથી કૌટુંબિક સલાહકાર છે અને તેઓના કારણે સેંકડો વિદ્યાર્થીઓ, બાળકો, ઘર- કંકાશ, પતિ-પત્નીઓ પોતાના સંઘર્ષ સમસ્યાઓમાંથી બહાર આવી શક્યા છે. તેઓ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ, પ્રિ-મેરીટલ કાઉન્સેલિંગ, યુથ-કાઉન્સેલિંગ, ઓલ્ડ-એજ કાઉન્સેલિંગ પણ સફળતાપૂર્વક કરતાં રહ્યાં છે. તેઓ અમુક સમય માટે માધ્યમિક શાળામાં શિક્ષિકા પણ રહી ચૂક્યા છે. શૈક્ષણિક કુટુંબના વાતાવરણમાં ઉછરેલા હોવાથી શિક્ષણ તેમના લોહીમાં વ્યાપ હોવાનું તેમના માતા-પિતાની ઇચ્છા હતી કે તેમનું એકમાત્ર સંતાન અંગ્રેજી વિશે સાથે ઉચ્ચતમ પદવી મેળવી ઉત્તમ પ્રોફેસર અથવા આચાર્ય બને. પરંતુ સર્વસામાન્ય કેડીએ ચાલે તો એ ધારા બેન પુરોહિત ન જ હોય શકે. શિક્ષિકા રહ્યા પછી પણ તેમને સંતોષ ન હતો તેમને કોઈ એક વર્ગ કે અમુક વર્ગો પૂરતું શિક્ષણ નહોતું આપવું. કોઈ નિયમોમાં કે દાયરાઓ બંધાઈ એ ધરા હોઈ શકે “ધારા “તો ન જ હોઈ શકે. ધારા એ સતત અસ્ખલિત વહેતા પ્રવાહનું નામ. બાદમાં તેમણે એક સ્વૈચ્છિક સંસ્થામાં સલાહકાર તરીકે પાંચ વર્ષ નોકરી કરી તેમાં પણ તેમણે ખૂબ સંતોષ પૂર્ણ રીતે કેસના સમાધાન કર્યા, ધારા બેનનું કહેવું છે કે આપણે સમાધાન શબ્દને માત્ર બે વ્યક્તિનું મને-કમને એક થવું એ બીબામાં ઢાળી દીધો છે. પરંતુ સમાધાન એટલે સમસ્યાનું સમાધાન કરવાનું હોય છે એ વાતની અવગણના કરીએ છીએ.
ધીરે ધીરે સેવામાં ઉંડા ઉતર્યા
તેઓ ચાઈલ્ડ હેલ્પલાઇનમાં જિલ્લા કોઓર્ડિનેટર ,એડ્સ નિયંત્રણ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી. પરંતુ તેઓ આ રીતે કોઈ બીબાઢાળમાં કાર્ય કરીને સંતુષ્ટ ન જ થાય. આટલી વ્યવસાયિક કારકિર્દી દરમિયાન તેમણે લોકમાનસનો અભ્યાસ કર્યો. સમાજના વિવિધ વર્ગો વિવિધ ક્ષેત્રોમાં તેઓ ઊંડા ઊતર્યા. ગરીબ -પછાત વિસ્તારોમાં જઈને તેઓના ઘર આંગણામાં બેસી તેમના ખભે હાથ મૂકી તેઓની સંઘર્ષ કથા સાંભળી. તેઓ માટે શું કરી શકાય તેવું તેઓ સતત મનન કરતાં આવ્યા. પરંતુ નોકરીના સ્થળે ઉપરીઓ કહે એટલું જ અને એ રીતે જ કરવાનું તેમને માફક ન આવ્યું. જો કે ધારાબેન આજે પણ તેઓએ જેટલા સ્થળે નોકરી કરી તેઓ માટે આભાર ભાવ ધરાવે છે અને અંતે તેમણે નક્કી કર્યું કે અંતઃકરણમાં જે સેવાભાવ છે તેનો હવે યોગ્ય આરંભ થઈ રહ્યો. આ માટે તેમણે અમુક તજજ્ઞોની સલાહ અને સૂચનાઓ લીધા.
સ્વભાવ મુજબ દરેકને આછેરું સ્મિત આપ્યું
કથા આમ તો હવે જ રસપ્રદ છે. આ તજજ્ઞોએ ધારા બેનને સલાહ સૂચનો આપ્યા કે આવડી ઉંમરમાં સેવા કરવાનો વિચાર જ મૂર્ખામી ભર્યો છે. પહેલા પૈસા કમાઓ નિવૃત્ત થાવ પછી નિરાંતે જીવનના ઉત્તરાર્ધમાં સેવા કરાય. ધારાબેન એ તમામને ધ્યાનથી સાંભળ્યા તેમના સ્વભાવ મુજબ દરેકને આછેરું સ્મિત આપ્યું. માતા-પિતાનો મત જાણ્યો તેમની સંમતિ અને સાથની લીલીઝંડી હતી જ અને જ્યારે તેજસ્વી સંતાનને માતા-પિતા માત્ર પીઠ પર હાથ રાખે તો પણ એ બેવડી ગતિથી પ્રગતિ કરી શકે છે. આત્મમંથનની આદત એક ધારા બેનનો સ્વભાવ પણ છે અને આ આત્મમંથન પછી તારીખ 1/8/2016 ના રોજ અમૃત નીકળ્યું જેનું નામ આજે જો તમે google કે justdialમાં જામનગર ખાતે સર્ચ કરો તો પ્રથમ નંબરે જોવા મળે છે. આ નામ એટલે કે પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ. સંસ્થાના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યા પછી પ્રથમ કાર્ય તેમણે જામનગરના એક પછાત વિસ્તારને દત્તક લેવાનું કર્યું. ત્યાં 70 જેટલા બાળકોને તેમણે સંસ્થા દ્વારા દત્તક લીધા. તેમના પોષણ ,શિક્ષણ ,આરોગ્ય અને ઉત્કર્ષ માટેના પ્રયત્નો કોઈ ઉદ્ઘાટન સમારોહની ઔપચારિકતા વગર આરંભી દીધા. અહીં એમનો એક ગુણ દેખાય આવે છે -‘કાર્યને જ મહત્વ આપવું દેખાવને નહીં ‘ તેવો કોઈ કૃત્રિમ દેખાડામાં માનતા નથી આવું તેમની આસપાસના લોકો કહે છે. અને જે કાર્યને જ કેન્દ્રમાં રાખી ઝઝૂમતા હોય તેઓને તો કોણ રોકી શકવાનું! આ બાળકોના કાર્યો માટે તેમણે પુનાથી ગઝલગાયક વગેરેનો concert કર્યો. વાહવાહી મળી પરંતુ ફંડ ન મળ્યું. પરંતુ ધારાબેન જેનું નામ થાકે નહીં, હારે નહીં.
વિદ્યાર્થી સાથે સાથે સ્ટાફ-વાલીગણને પણ સમજાવ્યા
આ સાથે સાથે તેમણે સતત બે વર્ષ દીકરીઓ- બહેનોને કેન્દ્રમાં રાખી હાઈજીન અવેરનેસ કાર્યક્રમ શરૂ કર્યો. જેમાં જામનગર શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં તેમણે સેમિનાર દ્વારા પાંચ હજારથી વધુ દીકરીઓને માસિક વિશે સ્પષ્ટ માહિતી આપી. વૈજ્ઞાનિક અને સાવેંગિક તથ્ય સમજાવ્યા ધાર્મિક કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિષે અવગત કરાવ્યા અને તેઓને પોતાના સ્વાસ્થ્યને જ પ્રાથમિકતા આપશે તેવા વચન લેવડાવ્યા. સાથે જ દીકરીઓને વધુમાં વધુ પેડ વિતરણ કર્યા. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં સ્ટાફ અને માતાઓ સાથે પણ સેમિનાર કર્યો અને તેઓને પણ મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવ્યા. અહીં આટલું જ કરે એ પણ ધારાબેન ન હોય. આ જ વિષય પર તેઓએ વારંવાર પોતાના સ્વયંસેવકો સાથે ચર્ચાઓ કરી સ્વયંસેવકોમાં મોટેભાગે યુવાનો હતા. સ્વયંસેવકોને સમજાવ્યા અને બાદ એક હજારથી વધુ વિદ્યાર્થીઓ દીકરાઓના પણ આ સ્વયંસેવક ભાઈઓએ સેમિનાર લીધા. માસિક ધર્મ વિશે જ વાચકને થશે કે આજે થોડું વધુ થઈ ગયું એ જવાબ ધારાબેન સ્વયં જ છે. આ વિષય પર સેમિનાર અને એ પણ વિદ્યાર્થી ભાઇઓ માટે કરવા પાછળનું કારણ તેઓ પોતાના આગવા સ્મિત સાથે સમજાવે છે.
ધારાબેન કહે છે કે માસિકસ્ત્રાવ એ માત્ર શારીરિક ઘટના નથી. સાવેંગિક અને હોર્મોનલ ઘટના છે. સ્ત્રીમાં બેન, પત્ની, માસી, કાકી, ભાભી, ફઈબા, મિત્ર, સાસુ કોઈપણ સ્વરૂપે ઘરની સભ્ય છે અને અન્ય સભ્યોમાં પુરુષવર્ગ છે. હવે જ્યારે કુટુંબમાં પુરુષો સમજશે કે માસિક સ્ત્રાવના અમુક દિવસો પહેલા સ્ત્રીમાં હોર્મોનલ ફેરફાર થવા લાગે છે અને તે કારણે ઘણી સ્ત્રીઓને ચીડિયાપણું, ગુસ્સો, અણગમો, રડવું વગેરે જેવા લક્ષણો અચાનક થવા લાગે છે. આ પરિસ્થિતિ પિતા, ભાઈ, પતિ, સસરા, જેઠ, ભાણેજ ,ભત્રીજા, મિત્ર, પ્રેમી જો સમજે તો મોટાભાગે ક્લેશો થવાને બદલે સાવેંગિક અપનત્વમા વૃદ્ધિ થાય, સંબંધો આ સમજણના કારણે મજબૂત થાય, ઐકત્વ જળવાઈ રહે. માટે શાળામાં, કોલેજમાં અભ્યાસ કરતાં ભાઈઓ યુવાનોએ આ વિશે માહિતી મેળવવી જોઈએ. આવું વિચારનાર ધારાબેન માટે આપોઆપ માન ઉપજવાનું જ છે એમાં કોઈ બે મત નથી. પછીથી અન્ય ક્લબો અને સંસ્થાઓ હાઈજીન અવેરનેસના જોરશોરથી કાર્યક્રમો કરતા ધારાબેન અન્ય કાર્યો તરફ ગતિમાન થયા પરંતુ આજે પણ આ વિષય પર તેના સેમિનાર હોય જ છે.
અનેક મુદ્દાઓ પર સેમિનાર લે છે
આ કાર્ય સાથે જ તેઓ શરૂઆતથી હાલના સમય સુધી એક મુદ્દાને મહત્વનો સમજી સતત સેમિનાર લે છે, તે છે “પોક્સો એક્ટ” ધારાબેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાથે જોડાયેલા છે. છેલ્લા 13 વર્ષથી તેઓ પેરાલીગલ વોલેન્ટિયર છે. માટે પોક્સો એક્ટને કેન્દ્રમાં રાખી હાલ સુધીમાં તેમણે સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ અને પોતાની આગવી શૈલીમાં બાળકો- વિદ્યાર્થીઓ સમજી શકે તે રીતે આ ગંભીર મુદ્દા પર સેમિનાર લીધેલ છે. પોતાની સાથે દર્શકોને ધ્યાનમાં રાખીને ચાઈલ્ડ હેલ્પલાઈન, મહિલા અભયમ હેલ્પલાઇન, નારી અદાલત વગેરે વિભાગને જોડીને તેઓ વિદ્યાર્થીઓને માહિતગાર કરે છે. “પોક્સો એક્ટ” સાથે અન્ય વિવિધ કાયદાઓ, કાયદાના સદુપયોગ- દુરુપયોગ વિશે ખાસ તેઓ સમજાવે છે. આટલી પાયાની સમજણ અને કાર્ય કોઈ સ્વાર્થ વગર ધારાબેન જેવા લોકો જ કરી શકે છે.
નવરાત્રિમાં ગરીબ દીકરીઓને મદદ
આ ઉપરાંત નવરાત્રિમાં તેઓ દેવીપૂજાના ભાગરૂપે ધર્મ-નાત-જાતના રજમાત્ર ભેદભાવ વગર શહેરના વિવિધ પછાત વિસ્તારમાં અંતરિયાળ રહેતા દરિદ્ર છતાં માગી ન શકે એવા પરિવારની અને એ પણ વિકલાંગ, અનાથ અથવા માતા કે પિતા કોઈ એક જ ન હોય એવી દીકરીઓને સંપૂર્ણ શૃંગાર, મિષ્ટાન, શૈક્ષણિક સામગ્રીઓ અને રોકડ રકમની દાન કીટ બનાવી આવી દીકરીઓનું પૂજન-અર્ચન કરી આપે છે. કોઈ એક જગ્યાએ લાણી વહેંચવી અને આવી દીકરીઓ, પરિવારની શોધખોળ કરી દાતાઓને સમજાવી દેવી પૂજન અને દાન કરવું એ વિચાર ભાગ્યે જ કોઇને આવી શકે.
આવી જ રીતે દિવાળીમાં અન્ય વ્યક્તિઓને એ જ પ્રમાણે સંપૂર્ણ દાન કીટ અને દીવા ભેટ સ્વરૂપે આપવા, જન્માષ્ટમી- મહાશિવરાત્રીના સમગ્ર શહેરના મંદિરોની બહાર બેસેલા બાળકો, મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, વૃદ્ધો દરેકને ધારાબેન અને એમની યુવા સમિતિ દૂધ કોલડ્રીંક પીવડાવે છે અને જીવમાં રહે શિવ અને કૃષ્ણને સંતુષ્ટિ અપાવે છે. ‘રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’ જેવા કાર્યક્રમ જામનગર શહેરમાં એકમાત્ર ધારાબેન પોતાની સંસ્થા દ્વારા કરાવી રહ્યા છે. જેમાં કોઈ એક સળગતા મુદ્દાને કેન્દ્રમાં રાખી સમાજના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને એક સ્ટેજ પર ગોઠવી ‘વક્તવ્ય નહીં પરંતુ મંતવ્ય’ એવો આગ્રહ રાખી ટોક-શૉ કરે છે, દર્શકો સાથે આ નિષ્ણાતો સાથેની પ્રશ્નોત્તરી હોય છે અને બાદમાં એક સાંકળ તૈયાર કરી સમાજને એ સાંકળનો ટેકો આપી દે છે. આ ઉપરાંત ધારાબેન પાસે આપોઆપ જ પોતાની સમસ્યા લોકો ઠાલવી દે છે એવી ઉર્જા બેન ધરાવે છે.
ઝૂંપડપટ્ટીને દત્તક લીધી
2016માં એક ઝૂંપડપટ્ટીવિસ્તાર દત્તક લીધા બાદ અન્ય એક શહેરની બહાર હાપા રેલવે સ્ટેશન પાસેનો ઝૂંપડપટ્ટી વિસ્તાર ત્યાં આ 100 બાળકોના ‘ટીચર’ ધારાબેન બન્યા. કોઈ સાથે હોય કે ન હોય ધારાબેન આ બાળકો માટે હાજર રહેતા. કારણ કે શહેરથી દૂર જવા સમય લાગે અને લોકોને સેવા કરવા એક કૂદકે પહોંચી- ફોટો પડાવી ખસી જવું હોય અને એ માટે અંતે ધારાબેન પાસે મેનપાવર અને મની પાવર બંનેના અભાવ રહેતા. છતાં બાળકો માટે જ્યારે તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની જ વાત હોય એની રાહ જોવાનો શું ફાયદો! અહીંના બાળકોને ધારાબેન અને તેમની ટીમ જ્યારે પહેલી વખત મળે છે, તેઓના પરિવાર -માતા-પિતાનું કાઉન્સેલિંગ કરે છે. એ સમયે તેમને જાણવા મળે છે કે અહીં તો સામાન્ય શબ્દોથી વધુ તો ગાળો સામાન્ય છે. બાળકો માટે ગાળો બોલવી, ખૂબ નાની ઉંમરમાં જ મીઠી સોપારી, ગુટકા કે તમાકુ વાળા મસાલા ખાવા આ બધું જ ખૂબ સામાન્ય છે.
બસ ફરી ધારાબેન અને તેમની ટીમ દ્વારા સેવાયજ્ઞની તૈયારીઓ શરૂ કરી. શરૂઆતના યુવાનો સાથે આવતા પરંતુ પછી શહેરથી દૂર હોય અને ધારાબેન અને બે-ત્રણ સાથી મિત્રો દ્વારા બાળકોના નામની નોંધણીથી માંડી તેઓના અભ્યાસ ખૂટતી સામગ્રીઓ પર કામ શરૂ થયું. પરિણામ એ આવ્યું કે આજે આ બાળકો ગાળો નથી બોલતા, જો કોઈ અન્ય બોલે તો પણ તેને ટોકી ટીચરને ફરિયાદ કરે છે. બાળકો માટે પોષણ, ગરમ આહાર પર જ ધારાબેન ભાર મૂકે છે. અને દાતાઓ જમાડવાની, નાસ્તો કરાવવાની ઈચ્છા દર્શાવે ત્યારે ગરમ ખોરાકનો આગ્રહ રાખે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ, વિવિધ રમતો, મેડીકલ કેમ્પ વગેરે રાખવામાં આવે છે. આ વિસ્તારના લોકો સાથે માસિક મીટીંગ થાય છે અને વિવિધ ચર્ચાઓ કરી સમજાવવામાં આવે છે. વિવિધ નિષ્ણાતોને બોલાવી કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. નવરાત્રી- ઉતરાયણ વગેરે તહેવારોની ખુબ સુંદર રીતે ઉજવણી કરવામાં આવે છે.
સેવાનો સિલસિલો શરૂ જ રહ્યો
ધારાબેન સલાહ કેન્દ્ર ચલાવી રહ્યા છે, મેરેજ બ્યૂરો અને મનોરંજન દ્વારા મનોમંથન જેવા વિશિષ્ટ કાર્યક્રમો કરતા રહે છે. વૃદ્ધાશ્રમમાં નિયમિત જવું, વડીલો માટે તેઓના ઉત્તરાર્ધને હળવો બનાવવા વિવિધ કાર્યક્રમો કરતા રહે છે. હાલમાં 2022 ની શરૂઆતમાં પુનઃ એક ઝુપડપટ્ટી વિસ્તાર પુષ્પાંજલિ સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવ્યો છે. જેના પર કાર્ય આરંભ થઈ ચૂક્યુ છે. તેના અંદાજિત 70થી વધુ બાળકોની નોંધણી થઇ ચૂકી છે અને સેવા યજ્ઞની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. સાથે જ ધારાબેન ‘રંગસેતુ ગ્રુપ ઓફ થિયેટર’ ચલાવે છે. જે નાટ્ય સંસ્થા છે, જેમાં કોઈપણ ઉંમરની વ્યક્તિ જોડાઈ પોતાની અભિનય અને સ્ટેજ નાટકોને લગતા કૌશલ્યનો વિકાસ કરી શકે છે. વર્ષમાં એકવાર શહેરના ટાઉનહોલમાં ‘રંગસેતુ’ દ્વારા ઉત્તમ નાટકો ભજવામાં આવે છે. સ્કીટ-એકાંકી અને શેરી નાટકો દ્વારા પણ સામાજિક સંદેશ આપવામાં આ ટીમ નિષ્ણાત છે.
સાથે જ વાત કરવામાં આવે તો ગુજરાતના વિવિધ શહેરોમાં શેરી નાટકો કરી ચુક્યા છે. યુવા પ્રતિભા શોધ તેમજ નાટ્ય વર્કશોપ યોજવામાં આવે છે. નવા કલાકારોને સ્ટેજ મળવું જોઈએ, તેવુ ધારાબેનનુ મંતવ્ય છે. તેવો શોર્ટ ફિલ્મો બનાવે છે જેનો વિષય પણ બોધાત્મક છતાં રોચક હોય છે. તેઓની youtube ચેનલ ‘રંગસેતુ થિયેટર જામનગર’ ઘણી લોકપ્રિય છે. ધારાબેન પોતે સારા થિયેટર આર્ટિસ્ટ છે, વક્તા લેખક અને દિગ્દર્શક પણ છે. ધારાબેન મોટીવેશનલ સ્પીકર છે. તેમનું સૌમ્ય-આરોહ-અવરોહથી ભરેલુ વક્તવ્ય સાંભળવું એ એક લ્હાવો છે. સ્પીકરની સાથે તેઓ કોલમિસ્ટ પણ છે. વિવિધ આર્ટીકલ લખી સંવેદનાઓ સંબંધ સંઘર્ષ અને સફળતાનો રોચક સંગમ તેમના લખાણમાં હોય છે. તેઓના દાદા-પિતા-નાના તમામ ઉત્તમ વાચકો અને લેખન કાર્યના નિષ્ણાતો છે.અને તે ગુણ ધારાબેન નખશિખ ધરાવે છે. સારા વાચક, લેખક, કવિ અને વક્તા ધારા બેનને મળીએ તો સમય દોડાદોડ કરવા લાગે એવું આ વ્યક્તિત્વ છે.
કા તો રડો, કા તો લડો
સામાન્ય માણસની જેમ ધારા બેનના જીવનમાં અનેક ઉતાર-ચડાવ આવતા રહ્યા. સંઘર્ષો સામે બાથ ભીડવી, ઘાયલ થવું, ફરી ઊભા થવું અને હસતા હસતા સંઘર્ષને ગળે લગાડી તે સમયના સરકવાની રાહ જોવી, એ ધારા બેનના સ્વભાવની લાક્ષણિકતાઓ છે. જીવનમાં લોકો આવે, જોડાઈ, મદદ કરે, પામે, સ્વાર્થી, બિન સ્વાર્થી, પણ અનુભવ થાય. લોકોને આગળ વધારે, અને તેઓ છૂટી જાય, ફરી એકલા થઈ જવું અને એકાંતને ઓગાળી મસ્ત થઈ જબરજસ્ત થવું, એ ધારાબેન પાસેથી શીખવા જેવું છે. તેઓનું એક સૂત્ર છે, ‘કા તો રડો, કા તો લડો’ અને રડી લો તો પણ સતત લડવા તૈયાર થાઓ.
ધારાબેન કહે છે કે ક્યારેક જીવનમાં આપણે થાકી જઈએ છીએ, હતાશ નથી હોતા. આ થાકને આપણે હતાશા સમજી લઈએ છીએ. એ આપણી ભૂલ છે, આરામ કરી થાકને ખંખેરી ફરી જીવનમાં આગળ વધવાનું, મથવાનું છે અને સફળ થવાનું છે. આવા પ્રેરણાદાયી સુત્રો જે જીવે છે તેવા ધારાબેન હંમેશા પોતાના માતા-પિતા અને પોતાના સાથી મિત્રોનો આભાર માની શ્રેય તેઓને આપે છે. સાથે તેમના જીવનસાથીનો પણ આભાર વ્યક્ત કરે છે. ધારાબેનને વર્ષ 2017માં મહેસાણા ખાતે ‘પ્રાઉડ ઓફ ગુજરાત મહિલા સશક્તિકરણ’ ક્ષેત્રે એવોર્ડ પ્રાપ્ત થયો છે.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?
આ ઉપરાંત વિવિધ ક્લબ અને અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પણ તેઓને સન્માનિત એવોર્ડ મળેલા છે. લેખન, નાટક વગેરેમાં તેઓ વિજયી બની સન્માન મેળવી ચૂક્યા છે. હજુ પણ તેઓ સેવા, લેખન, નાટ્ય અને કળા ક્ષેત્રે કાર્યરત છે. તેઓના અવાજમાધુર્યને કારણે તેમના ધ્વનિ રેકોર્ડિંગ શરૂ થવા જઈ રહ્યા છે અને વિવિધ ન્યૂઝ ચેનલો સાથે પણ હાલ અમદાવાદ ખાતે તેઓ જોડાઇ ચૂક્યા છે. જામનગર ઉપરાંત અન્ય શહેરો-વિસ્તારોમાં તેઓ પુષ્પાંજલિ સંસ્થાને કાર્યરત કરવા જઈ રહ્યા છે કે જેથી બધા જ શહેરોના બાળકોને તેનો લાભ મળે અને એમનો પણ ઉધ્ધાર થઈ શકે.