શ્રવણ પરમાર, થરાદ: થરાદ સરકારી વિનય કોલેજ માં મહિલા દિન ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવા માં આવી હતી જેમાં છાત્રો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જ્યારે કોલેજ ના સ્ટાફ દ્વારા આયોજન ને સફળ બનાવવા કવાયત હાથ ધરી હતી. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદમાં તા. ૫ માર્ચ, ૨૦૨૨ શનિવારના રોજ વિશ્વ મહિલા દિન (૮ માર્ચ)ને ધ્યાનમાં રાખીને એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્ઞાનધારા અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં અત્રેની કોલેજના અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક ચિરાગ શર્માએ ‘નારીવાદનો સાહિત્યિક અને સૈદ્ધાંતિક ઇતિહાસ’ એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેઓએ પાશ્ચાત્ય સાહિત્ય અને વર્તમાન સામાજિક સંદર્ભને ધ્યાનમા રાખીને મહિલાઓની સ્થિતિ અંગે સરસ વાત કરી હતી. તો ડૉ. રતિલાલ કા. રોહિતે સમાજમાં જોવા મળતી સ્ત્રી-પુરુષ અસમાનતા અંગે કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા.
પ્રસંગે કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રશાંત શર્માએ પણ પૂર્તિરૂપ વક્તવ્ય આપ્યું હતું. પ્રસ્તુત વિશ્વ મહિલા દિનને ધ્યાનમાં રાખીને કોલેજના ત્રણ વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન જ્ઞાનધારાના કો-ઓર્ડિનેટર ડો. રતિલાલ કા. રોહિતે કર્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં કૉલેજના વિદ્યાર્થીબહેનો મોટી સંખ્યામાં તથા વિદ્યાર્થી ભાઇઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.