રાજ્યમાં હાલ જાણે અગન ગોળા વરસી રહ્યા હોય તેમ તાપમાન વધી રહ્યું છે. રવિવારે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી રાજ્યમાં તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. જ્યારે આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે અને પછીના બે દિવસ યલો એલર્ટ રહેવાનું છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ છે કે, 15થી 16 મેના રોજ ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. આંધી વંટોળનું પ્રમાણ વધશે. તેમજ કૃતિકા નક્ષત્ર સમુદ્રમાં હલચલ કરાવે છે. તેના કારણે પવનની ગતિ વધે છે અને બાષ્પીભવન પ્રકિયા વધવાની છે.
આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત થાય તેવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમી પડવાની છે. 15થી 16 મેના રોજ ગરમીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. આંધી વંટોળનું પ્રમાણ વધશે આ સાથે કૃતિકા નક્ષત્ર સમુદ્રમાં હલચલ કરાવે છે. તેના કારણે પવનની ગતિ વધે છે અને બાષ્પીભવન પ્રકિયા વધશે. અરબ દેશોમાંથી પાકિસ્તાનની ઉપર થઇ ઘૂળ ગુજરાત તરફ આવશે અને ઘૂળનું પ્રમાણ વધશે.
રવિવારે જાણે ગરમીએ માજા મુકી હોય તેમ અમદાવાદ, પાટણની સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યા હતા. ભાવનગરની સાથે અમદાવાદ અને પાટણમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. બાકીના શહેરોમાં તાપમાન 32થી 43 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. બપોરના આગ ઓકતા તાપને કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. છેલ્લા છ દિવસથી આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. વૃધ્ધો અને બાળકો સાથે પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની ગઈ છે.
આ ઉપરાંત 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે. જોકે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે અને રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર ચાલે છે. 28 મે બાદ અરબી સમુદ્રમાં પણ હલચલ વધવાની શક્યતા છે. જોકે, હળવું વાવાઝોડું સક્રિય થશે. જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું અનુમાન છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતમાં આંધી વંટોળ જોવા મળશે. જે ચોમાસાના લક્ષણ દ્રષ્ટીગોચર થાય છે. ગુજરાતમાં મે મહિનામાં પ્રી-મોનસુન એક્ટિવિટી થતી હોય છે. જેના કારણે વરસાદ પણ આવે છે. ત્યારે 22થી 24માં પણ પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. નોંધનીય છે કે, વરસાદની ઋતુ પહેલા પ્રિમોન્સુન એક્ટિવિટી થતી હોય છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પશ્ચિમ ઉતર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોચ્યું છે. આગામી 24 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે. આગામી દિવસમાં મહત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટવાનું અનુમાન છે. જોકે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે અને અરબી સમુદ્રનો ભેજ ખેંચાવવાના કારણે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. હવે બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું નબળું પડશે અને પવનની દિશા બદલાશે જેના કારણે ગરમી ઘટવાનું અનુમાન છે.
અમદાવાદ સહિત રાજ્યમાં આગજરતી ગરમી પડી રહી છે ત્યારે ગરમી વધતા 108 ઇમરજન્સીમાં પણ કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં ગરમીના કારણે અંદાજે 9 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં માત્ર 13 દિવસમાં 2 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.