કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે ઈન્દોર ખાતે યુવક કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન સંઘની તુલના ઉધઈ સાથે કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, ‘તમે એવા સંગઠન સામે લડી રહ્યા છો જે ઉપરથી નથી દેખાતું. જે રીતે ઉધઈ કોઈ વસ્તુ કે ઘરમાં લડે છે તે જ રીતે આરએસએસ કામ કરે છે. આ બોલીને હું સૌથી વધારે ગાળો પણ ખાવાનો છું.’ ઈન્દોર ખાતે યુવક કોંગ્રેસના કાર્યક્રમમાં દિગ્વિજય સિંહે કહ્યું કે, ‘આ આરએસએસની વિચારધારા છે. હું ઈચ્છું છું કે, આરએસએસના લોકો મારા સાથે વિવાદ કરે. તમારૂ (આરએસએસ)નું સંગઠન છે ક્યાં? રજિસ્ટર્ડ સંસ્થા ક્યાં છે? તેઓ માત્ર છાનામાના કામ કરે છે. દબાઈ-સંતાઈને કામ કરશે.
ખુલેઆમ કોઈ કામ નહીં કરે. ગુપ્ત રીતે વાતો કરશે. કાનાફૂસી કરશે. ખોટી વાતો ફેલાવશે. હું એમ પુછવા માગું છું કે, સંગઠન તરીકે આરએસએસએ કદી કોઈ ધરણાં કર્યા છે? શું કોઈ આંદોલન કર્યું છે? ક્યાંય કોઈ સામાન્ય માણસ, ખેડૂત કે મજૂરની લડાઈ લડ્યું છે? કદી નહીં લડે. કદી ઉપર નહીં આવે. તેઓ હંમેશા તમારા ઘરે આવશે. તમને કહેશે- ભાઈ સાહેબ, તમે ઘણાં દિવસોથી ચા નથી પીવડાવી. ચા તો પીવડાવો. જમાડી દો. આ લોકો આવી જ રીતે વિચારસરણી ફેલાવે છે.
દિગ્વિજય સિંહે એમ પણ કહ્યું કે, હિંદુ ધર્મને કદી પણ જાેખમ નથી રહ્યું. હિંદુ ધર્મ એટલો વ્યાપક, વિશાળ છે કે, અહીં સૌનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઈસાઈ ધર્મ પશ્ચિમના દેશોમાં બાદમાં ગયો, પહેલા અહીં આવ્યો. ઈસા મસીહના ૪૦ વર્ષ બાદ ઈસાઈ ધર્મ આપણા દેશમાં આવી ગયો હતો. ઈસ્લામ અહીં આઠમી સદીમાં આવી ગયો હતો. ત્યારે પણ હિંદુઓને કોઈ જાેખમ નહોતું. મુગલોનું શાસન ૫૦૦ વર્ષ રહ્યું, ત્યારે પણ હિંદુ ધર્મને જાેખમ ન રહ્યું. ઈસાઈઓ અને અંગ્રેજાેનું રાજ ૧૫૦ વર્ષ રહ્યું ત્યારે તો હિંદુઓને કોઈ જાેખમ ન રહ્યું. આજ જ્યારે રાષ્ટ્રપતિથી લઈને ઉપરના તમામ પદો પર હિંદુ છે તો હિંદુ ધર્મને ખતરો કઈ રીતે આવી ગયો? આ વાત હું નથી સમજી શકતો.
પૂર્વ મુખ્યમંત્રીએ એવો આરોપ લગાવ્યો હતો કે, હિંદુઓ માટે જાેખમ બતાવાઈ રહ્યું છે. જેથી તે લોકો ફાસીવાદી મનોવૃત્તિ અને વિચારધારાને આગળ લઈ જઈ શકે. તેનાથી રાજકીય રોટલીઓ શેકી શકે. રાજકીય પદ મેળવીને પૈસા કમાઈ શકે. આટલી વાત સમજી લેશો તો તમે તેમના સાથે લડી શકશો. સંઘ સામે કઈ રીતે લડશો? આ તો કોઈ રજિસ્ટર્ડ સંસ્થા જ નથી. આની કોઈ સદસ્યતા જ નથી. આનું કોઈ એકાઉન્ટ જ નથી. સંઘની કોઈ વ્યક્તિ ગુનાહીત કામગીરીમાં પકડાય છે તો કહે છે કે, આ તો અમારો સદસ્ય જ નથી. જ્યારે તમારૂં સંગઠન રજિસ્ટર્ડ જ નથી તો અમે કઈ રીતે કહીએ કે કોઈ વ્યક્તિ આનું સદસ્ય છે.