દિવાળીએ અયોધ્યા બાદ દેવ દિવાળીએ પૌરાણિક ધર્મનગરી કાશીમાં કાર્તિક પૂર્ણિમાની સંધ્યાએ 21 લાખ દીપ પ્રાગટયનું અલૌકીક દ્દશ્ય જોવા મળ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે, બીજા બધા ફોટો કરતા ડ્રોનથી લેવાામાં આવેલી તસવીર જોરશોરથી વાયરલ થઈ રહી છે.
આઠ કિલોમીટર લાંબા અર્ધ ચંદ્રાકાર ઘાટ પર 21 લાખ દીપોથી મા ગંગાનો શૃંગાર કરવામાં આવ્યો હતો. જેને જોવા માટે આસપાસના રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. ગંગાના ઘાટ પર એક ભક્તિમય નજારો જોવા મળ્યો હતો. જોકે, ગંગા આરતી કરીને ભાવિકો ધન્ય થઈ ગયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દેવ દિવાળીના અવસર પર દીપ પ્રગટાવ્યા હતા. દેવ દિવાળી નિમિતે વારાણસીના ઘાટ પર દીવાથી રોશની કરવામાં આવી હતી.
એકી સાથે 21 લાખ દીવડા પ્રગટતા આકાશના સિતારા જાણે ધરતી પર ઉતરી આવ્યા હોય તેવો અહેસાસ થયો હતો. શહેરના 100થી વધુ કુંડ-તળાવો અને પાર્કોમાં પણ અસંખ્ય દીપ પ્રગટયા હતા. કાશી વિશ્વનાથ ધામના ગંગા દ્વાર અને ચેતસિંહ ઘાટ પર લેસર શોથી ગંગાવતરણ અને શિવ તાંડવ જોવા મળ્યું હતું. આ નજારો જોઈને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ ઉપરાંત રંગોળી અને દીપોથી પાંચ ઘાટો પર દીપનો દરબાર સર્જાયો હતો. ભગવાન બુદ્ધ, ગુરુનાનક, સંત રવિદાસની ભક્તિધારાનો સંદેશ પણ ગંગાના તટ પર પ્રવાહમાન થયો હતો.
આ સમારોહમાં 70 દેશોના રાજદૂતો અને અન્ય વિદેશી મહેમાનોએ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ અને કેન્દ્રીય મંત્રી હરદીપપુરીની સાથે ક્રુઝ પર સવાર થઈને મનોહારી દ્દશ્ય નિહાળ્યું હતું. ગંગા પાર આતશબાજીએ પણ આકાશમાં અલૌકીક નજારો ઉભો કર્યો હતો. વરુણા નદીમાં હજારો દીવાઓના ઝાંખા પ્રકાશમાં ઉભરતું વિહંગમ દ્રશ્ય જોઈને એવું લાગતું હતું કે જાણે તારાઓ પૃથ્વી પર ઉતરી આવ્યા હોય. એક ક્ષણ માટે, વરુણ નદીનો વહેતો પ્રવાહ અને તેની લહેરોમાં દીવાઓનો પ્રકાશ આધ્યાત્મિક ઊર્જા પ્રદાન કરે છે.