તમે હોલીવૂડ ફિલ્મોમાં જોયું હશે કે શહેરમાં અચાનક જંતુઓએ હુમલો કરી દીધો છે અને તે પછી કોઈ સુપર હીરો શહેરને બચાવવા માટે આવી જાય છે., તે પછી તે જંતુઓની ટીમ સામે લડે છે અને જીતી જાય છે, પરંતુ બિહારના છપરા જિલ્લામાં જે કંઈ થયું તે કંઇક હોલીવૂડ ફિલ્મો જેવું જ હતું. જિલ્લામાં મંગળવારની રાત્રે અચાનક આકાશમાંથી સફેદ જંતુઓનો વરસાદ થવા લાગ્યો. થોડા જ સમયમાં રસ્તા પર ઠેર-ઠેર સફેદ જંતુઓની ચાદર પથરાઈ ગઈ.
તે પછી લોકો ઝડપથી પોતાની દુકાનો બંધ કરવા લાગ્યા. અચાનક બનેલી આ ઘટના પછી લોકો ડરી ગયા. જોકે, સદનસીબે આ જંતુઓ કોઈને નુકસાન પહોંચાડી રહ્યા નહોતા. તેઓ આકાશમાંથી સફેદ પ્રકાશ તરફ મોટી સંખ્યામાં પડી રહ્યા હતા અને રસ્તા પર તેમનો જાડો પડ બની ગયો હતો. જેના કારણે લોકોને આવવા-જવામાં મુશ્કેલી થવા લાગી.
સ્થાનિક દુકાનદારે કહ્યું કે, સાંજે અચાનક તેની દુકાનમાં સફેદ જંતુઓ આવવા લાગ્યા અને તેમની સંખ્યા ઘણી વધી ગઈ અને દુકાનની અંદર જંતુઓનો એક પડ થઈ ગયો. તેમણે આ પ્રકારનું દ્રશ્ય અગાઉ ક્યારેય જોયું નહોતું જેના કારણે તે ડરી ગયા અને પોતાની દુકાનને બંધ કરી દીધી કારણ કે ગ્રાહકો પણ આવી રહ્યા નહોતા. અન્ય એક સ્થાનિક દુકાનદારે કહ્યું કે, સાંજે લગભગ ૮.૦૦ વાગ્યાથી આ દ્રશ્ય શરૂ થયું અને જોતજોતામાં સફેદ જંતુઓએ સમગ્ર બજારને પોતાના કબજામાં લઈ લીધું અને દરેક જગ્યાએ આકાશમાંથી પડતા જોવા મળ્યા.
આ જંતુઓ ક્યાંથી આવ્યા હતા અને આકાશમાંથી કેમ પડી રહ્યા હતા? તે જણાવનાર કોઈ નહોતું પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે, ગરમીનાા કારણે આવી ઘટના બની છે. જંતુઓને કારણે લોકોને રસ્તા પર બાઇક ચલાવવામાં પણ મુશ્કેલી આવવા લાગી જેના કારણે અચાનક રોડ પર કરફ્યુ જેવો માહોલ થઈ ગયો.