પાકિસ્તાનના એક પાયલોટે રવિવારે સાઉદી અરબની રાજધાની રિયાધથી એક વિમાનને ઈસ્લામાબાદ લાવવાની ના પાડી દીધી હતી. પાયલોટના કહેવા પ્રમાણે તેનો ડ્યુટી ટાઈમિંગ પૂરો થઈ ગયો હતો માટે તે પ્લેન નહીં ઉડાવે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)ના પાયલોટે યાત્રાની વચ્ચે જ વિમાન ઉડાડવાની ના પાડી દીધી હતી જેથી વિમાનમાં સવાર મુસાફરો રોષે ભરાયા હતા અને તેમણે વિમાનમાંથી નીચે ઉતરવાની ના પાડી દીધી હતી.
પીઆઈએ પ્રશાસને જણાવ્યું કે, પીકે-૯૭૫૪એ સાઉદી અરબની રાજધાની રિયાધથી ઉડાન ભરી હતી પરંતુ ખરાબ હવામાનના કારણે દમ્મમાં ઉતરવું પડ્યું હતું. તે સમયે ફ્લાઈટના કેપ્ટને વિમાનને ઈસ્લામાબાદ લઈ જવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે, તેની ડ્યુટીનો સમય સમાપ્ત થઈ ગયો છે. કપ્તાનની આ વાતથી રોષે ભરાયેલા મુસાફરોએ વિરોધ દર્શાવવા માટે વિમાનમાંથી ઉતરવાની ના પાડી દીધી હતી. આખરે સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે એરપોર્ટ સિક્યોરિટી બોલાવવી પડી હતી. પીઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે, ફ્લાઈટની સુરક્ષા માટે ઉડાન ભરતા પહેલા પાયલોટ્સ ઉચિત આરામ કરે તે આવશ્યક છે.
માટે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી હતી. અગાઉ પીઆઈએ તરફથી સઉદી અરબ માટે ડાયરેક્ટ વિમાન સેવા વિસ્તૃત નહોતી. નવેમ્બરમાં પીઆઈએએ ઘોષણા કરી હતી કે, તે સાઉદી અરબ માટે પોતાની ફ્લાઈટનો વિસ્તાર કરી રહ્યું છે. પ્રવક્તાના કહેવા પ્રમાણે પીઆઈએની ઉડાનો ઈસ્લામાબાદ, કરાચી, લાહોર, મુલ્તાન અને પેશાવર સહિતના પાકિસ્તાનના વિભિન્ન શહરોમાંથી રવાના થશે.