World News: બાંગ્લાદેશમાં અવામી લીગ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે આ ખાતરી આપી છે. વાત જાણે એમ છે કે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ જો તેઓ આગામી સંસદીય ચૂંટણી જીતશે તો ભારત સાથે સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો ચાલુ રાખવાનું વચન આપ્યું છે. તમને જણાવી દઈએ કે તેમણે ગયા બુધવારે અવામી લીગ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે આ ખાતરી આપી હતી. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે.
પ્રધાનમંત્રી શેખ હસીનાએ તમામ દેશો સાથે વિકાસ માટે સહકારને પ્રોત્સાહન આપવા માટે તેમની પાર્ટીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને ભારત-બાંગ્લાદેશ સંબંધોનો ઉલ્લેખ કરતા, ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે ભારત સાથે સરહદોના સીમાંકન અને પ્રદેશોના આદાન-પ્રદાનને લગતી લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવામાં આવ્યો છે. આ સિદ્ધિએ ભારત સાથે સતત બહુપક્ષીય સહયોગ અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપ્યું છે.
ભારત સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર ચાલુ છે
અવામી લીગ પાર્ટીની વિદેશ નીતિની પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડતા, ઢંઢેરામાં જણાવાયું છે કે “પાડોશી દેશો સાથે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી, ઉર્જા વહેંચણી અને સમાન પાણીની વહેંચણી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ ચાલુ રહેશે”.
આતંકવાદને રોકવા માટે પણ સહયોગ
આ સાથે, ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ તેના ક્ષેત્રમાં આતંકવાદીઓ, આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ અને અલગતાવાદી જૂથોની હાજરીને રોકવા માટે પ્રતિબદ્ધ છે. જેમાં અવામી લીગ સરકારે આતંકવાદનો સામનો કરવા માટે દક્ષિણ એશિયા ટાસ્ક ફોર્સની રચનામાં મહત્વની ભૂમિકા ભજવવાની વાત કરી છે.
2041 સુધીમાં બાંગ્લાદેશને “સ્માર્ટ” દેશ તરીકે વિકસાવવાનું લક્ષ્ય
ભારત, ભૂતાન અને નેપાળ સાથે ઉર્જા સહયોગ અને નદીના પાણીનું સંયુક્ત સંચાલન પણ ચૂંટણી ઢંઢેરામાં સામેલ છે. અવામી લીગના ચૂંટણી એજન્ડામાં 11 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને 2041 સુધીમાં બાંગ્લાદેશને “સ્માર્ટ” દેશ તરીકે વિકસાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
98 પાનાના ઢંઢેરામાં શેખ હસીનાએ રોજગાર સર્જન, આર્થિક વિકાસ, આવશ્યક ચીજવસ્તુઓની કિંમતોને નિયંત્રિત કરવા, ટેક્નોલોજીને આગળ વધારવા, કૃષિ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને બેંકો સહિત નાણાકીય ક્ષેત્રને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. તમને જણાવી દઈએ કે, દેશમાં સત્તાવાર રીતે નોંધાયેલા 44 રાજકીય પક્ષો છે, જેમાંથી 26 ચૂંટણીમાં ભાગ લેશે અને 14 પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.