ઘણીવાર લોકોને મુસાફરી દરમિયાન અથવા પેટમાં ખરાબી આવવાને કારણે ઉલ્ટી થાય છે. કોઈને ઉલટી થતી જોઈને કે મનમાં કોઈ વિચાર આવે તો મન વ્યગ્ર થઈ જાય છે. શું તમે જાણો છો કે કોઈની ઉલટી બજારમાં વેચાય છે? તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ બિલકુલ સાચું છે. વાસ્તવમાં એક એવું પ્રાણી છે જેની ઉલ્ટીની કિંમત બજારમાં એક કરોડથી વધુ છે.
તમારા મનમાં પ્રશ્ન અવશ્ય ઉઠતો હશે કે બજારમાં પશુની ઉલટી શા માટે વેચાય છે? આ ઉલ્ટીથી શું થાય છે? તમને જાણીને નવાઈ લાગશે કે વ્હેલ માછલીની ઉલટી બજારમાં કરોડોમાં વેચાય છે. વ્હેલની ઉલટીને તરતું સોનું કહેવામાં આવે છે. તમે વિચારતા જ હશો કે આ માછલીની ઉલ્ટીમાં એવું શું છે કે તેની આટલી કિંમત છે? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વ્હેલ માછલીની ઉલટી આટલી મોંઘી કેમ વેચાય છે?
તમે પ્રાણીઓની હેરફેર વિશે સાંભળ્યું જ હશે. પશુઓના હાડકાંથી લઈને ચામડા સુધીનું ગેરકાયદે વેચાણ થાય છે. હાથીદાંત, અનેક પ્રાણીઓની ચામડી અને ગેંડાના શિંગડાની કિંમત બજારમાં ઉંચી છે. આ ઉપરાંત વ્હેલ માછલીની ઉલ્ટીની પણ દાણચોરી થાય છે. વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે, તે વ્હેલના શરીરમાંથી નીકળતો વેસ્ટ મટિરિયલ છે. આ પદાર્થ વ્હેલના આંતરડામાંથી બહાર આવે છે. આ માછલી દરિયાની ઘણી વસ્તુઓ ખાય છે. જ્યારે તે આ વસ્તુઓને પચાવી શકતી નથી, ત્યારે તે તેને થૂંકે છે. એમ્બરગ્રીસ એ ગ્રે અથવા કાળા રંગનો ઘન પદાર્થ છે. એક રીતે, તે મીણમાંથી બનેલા પથ્થર જેવો નક્કર પદાર્થ છે.
વ્હેલ માછલીના આંતરડામાંથી નીકળતા આ પદાર્થમાંથી ગંધ આવે છે. પરંતુ સુગંધિત પરફ્યુમ બનાવતી કંપનીઓ તેનો ઉપયોગ કરે છે. જેના કારણે પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. પરફ્યુમ બનાવતી કંપનીઓ તેને મોંઘા ભાવે ખરીદે છે.