અશોક મણવર (અમરેલી) અમરેલીમાં પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં હાલની કોરોનાની સ્થિતિને અનુલક્ષીને સંકલનના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ તકે ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર.સી. મકવાણાએ પણ હાજરી આપી હતી. પ્રભારી મંત્રી મકવાણાએ રાજ્ય સરકારના દિશા-નિર્દેશોનો ચુસ્તપણે અમલ થાય તે માટે તકેદારી રાખવાનું જણાવ્યું હતું.
હાલની કોરોનાની સ્થિતિને અનુલક્ષીને પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સાંસદ નારણ કાછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રેખા મોવલિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ બેઠકમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.