મૌલિક દોશી (અમરેલી )
અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ કુમારે અમરેલી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ તકે જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસરોએ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને લઈને લોકો માસ્ક પહેરે, સેનિટાઈઝરનો ઉપયોગ કરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખે તે અત્યંત જરૂરી છે. આ બેઠકમાં જિલ્લામાં મેડિકલ સંસાધનોની ઉપલબ્ધતા, વેક્સીનેશન, વધતા કોરોના કેસો, ઓક્સિજનની વ્યવસ્થા, પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિશનરોને તાલીમ, ધન્વંતરી રથોની કામગીરી, કન્ટેનમેન્ટ ઝોન, ગ્રામીણ અને શહેરી સ્તરે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા, પીડિયાટ્રિક બેડની વ્યવસ્થા જેવા વિવિધ વિષયો ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વેક્સિન લીધેલા લોકોને લાગતા કોરોના સંક્રમણ અંગે માહિતી આપતા પ્રભારી સચિવે જણાવ્યું હતું કે વેક્સિન લીધા પછી પણ ઘણા લોકોને કોરોનાનું સંક્રમણ લાગે છે ત્યારે આ સ્થિતિમાંજે લોકોએ નથી લીધી એવા લોકોની સરખામણીએ વેક્સિન લીધેલા લોકો જલ્દી સાજા થાય છે તેમજ તેમનામા કોઈ અતિ ગંભીર લક્ષણો જણાતા નથી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, અધિક કલેક્ટર આર. વી. વાળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ સહિતના તમામ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લાના દરેક તાલુકા મથકોથી તંત્રના અધિકારી અને કર્મચારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા