મૌલિક દોશી ( અમરેલી ): ગણેશ ઉત્સવના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે ગણેશદર્શનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન સાધકો આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. બે વર્ષના વિરામ બાદ મહુડી સ્થિત હિમાલયના મહર્ષિ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીના ગૃહસ્થાન નિજધામમાં સ્થાપિત કરેલ ગણેશદર્શનનો લહાવો સાધકોએ લીધો હતો. વહેલી સવારથી જ સાધકોનું આગમન થવા લાગ્યું હતું. અંદાજિત 15,000થી વધુ સાધકોની હાજરીમાં દર્શન સાથે ભજનમાં સાધકો ભક્તિભાવમાં તરબોળ થયા હતા.
સમર્પણ ધ્યાનયોગ સંસ્કારનો માર્ગ દેશવિદેશના લાખો સાધકોએ અપનાવ્યો છે અને નિયમિત ધ્યાન દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરી રહ્યા છે. પૂજ્ય સ્વામીજી એમનાં અનેક પ્રવચનો તથા ગ્રંથોમાં અધ્યાત્મની ગૂઢ વાતોને સરળ રીતે અને આજના પરિપેક્ષ્યમાં સમજાવે છે. જેમાં ગણેશજી સંબંધિત પણ અનેક બાબતો એમણે ઉજાગર કરી છે. શ્રી ગણેશજીની સંરચના એક સિદ્ધયંત્ર સમાન, ગણેશજી પવિત્રતાના પ્રતીક, પવિત્રતા અધ્યાત્મનો પ્રાણ, આધ્યાત્મિક પ્રગતિ માટે ચિત્તશુદ્ધિ અનિવાર્ય, પૂજા એક સશક્ત માધ્યમ, ગણેશજીની સંરચના શું શિખવાડે છે વગેરે જેવા અનેક વિષયોને સરળતાથી સમજાવે છે. પૂજ્ય સ્વામીજી પોતાના ગુરુનાં સાંનિધ્યમાં સિદ્ધ કરેલ અથર્વશીર્ષની અનુભૂતિ પણ કરાવે છે.
દર વર્ષે પૂજ્ય સ્વામીજીના ગૃહસ્થાનમાં ગણપતિ સ્થાપન કરવામાં આવે છે, જેમાં દરેક સાધકોને દર્શન માટે આમંત્રણ આપવામાં આવે છે. આ એ સોનેરી અવસર હોય છે જેમાં સાધકોને પૂજ્ય સ્વામીજીના ગૃહમાં પ્રવેશ કરવા સાથે ગુરુશકિતઓની ઊર્જામાં ભીંજાવાનો અવસર મળે છે. આ વર્ષે પણ સાધકોએ આ અવસરનો લાભ લીધો હતો. ગુરુપરિવારના હસ્તે પ્રસાદ ગ્રહણ કરી, ભજન અને ભોજનપ્રસાદનો લાભ લીધો હતો. શ્રી ગુરુશક્તિધામમાં ધ્યાન કરી સાધકોએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ગુજરાત સમર્પણ આશ્રમ સમિતિ અને સમર્પણ પરિવારના સ્વયંસેવકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.