મૌલિક દોશી (અમરેલી) :ધંધૂકા શહેરમાં કિશન ભરવાડની સરાજાહેર ગોળી મારીને હત્યા કરવામાં આવી, જેને લઈને રાજુલા શહેર સજ્જડ બંધ રહ્યું તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. શહેરની વિવિધ બજાર સહિત વેપારીઓ બંધમાં જોડાયા હતા. કિશન ભરવાડની સરાજાહેર ગોળી મારીને હત્યા નીપજાવવામાં આવી જેને લઈને લોકોએ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગણી કરી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં કિશન ભરવાડની સરાજાહેર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેને લઇને આખા ગુજરાત રાજ્યમાં ચોતરફ રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ લોકોએ સજજડ બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ મામલના અમદાવાદ, રાજકોટ, દિલ્હી અને પાકિસ્તાન સુધી કનેક્શન નીકળતા લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે જ્યારે અમરેલી જિલ્લામાં પણ લોકોએ રોષ સાથે કાર્યવાહીની માગણી કરી હતી.
રાજુલા શહેરની મુખ્ય બજાર સહિતની વિવિધ બજારો આજે બંધમાં જોડાઈ હતી. સવારથી બપોરના બે વાગ્યા સુધી શહેર બંધ રહ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બહોળી સંખ્યામાં રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ હિન્દુ સંગઠનો એકત્રિત થયા અને શહેરની મુખ્ય બજારોમાં રેલી સ્વરૂપે પ્રાંત કચેરી સુધી પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવી હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી.