સસ્તુ સોનુ ખરીદવું હોય તો ઘડીક ખમી જાઓ, તમારા માટે ટૂંક જ સમયમાં ખુબ સારા સમાચાર સામે આવશે

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

જો તમે સોનું ખરીદવા અથવા તેમાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છો અને તેથી સોનાના ભાવ નીચા થવાની રાહ જોઈ રહ્યા છો તો તમારી રાહ બજેટ પછી સમાપ્ત થઈ શકે છે. વાણિજ્ય મંત્રાલયે બજેટમાં (બજેટ 2023) સરકાર પાસે સોના પરની આયાત જકાત એટલે કે નિકાસ જકાત ઘટાડવાની માંગ કરવામાં આવી છે. વાણિજ્ય મંત્રાલયનું માનવું છે કે નાણા મંત્રાલય બજેટમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. આગામી બજેટ પહેલા લોકો મોંઘવારી અને આવકવેરાના દરમાં ફેરફાર સહિતના અનેક મુદ્દાઓ પર સરકાર તરફથી મહત્વની જાહેરાતોની અપેક્ષા રાખી રહ્યા છે.

બજેટમાં આ મોટી રાહત મળી શકે છે

વાણિજ્ય મંત્રાલયે સોના પરની આયાત જકાત ઘટાડવાની માગણી કરતાં કહ્યું હતું કે આનાથી નિકાસને વેગ મળશે તેમજ દેશમાં જેમ્સ અને જ્વેલરીના ઉત્પાદનમાં વધારો થશે. ગયા જુલાઈમાં કેન્દ્ર સરકારે સોના પરની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. ચાલુ ખાતાની ખાધ ઘટાડવા અને સોનાની વધતી આયાતને અંકુશમાં લેવાના હેતુથી સરકારે આ પગલું ભર્યું હતું. સોના પર બેઝિક કસ્ટમ ડ્યુટી 12.5 ટકા છે જ્યારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ 2.5 ટકાના દરે વસૂલવામાં આવે છે. આ રીતે કુલ અસરકારક આયાત જકાત 15 ટકા થઈ જાય છે.

ડાયમંડ અને જ્વેલરી સેક્ટરે કરી આયાત ડ્યૂટી ઘટાડવા માંગ

જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગની માંગને ધ્યાનમાં રાખીને વાણિજ્ય મંત્રાલયે નાણા મંત્રાલયને આગામી બજેટમાં આવો પ્રસ્તાવ લાવવા વિનંતી કરી છે. વાણિજ્ય મંત્રાલયે જેમ્સ અને જ્વેલરીના ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે અન્ય કેટલીક પ્રોડક્ટ્સ પરની આયાત ડ્યૂટીમાં ફેરફારની પણ માગણી કરી છે.’જેમ અને જ્વેલરીની નિકાસ સાથે સંકળાયેલા હિતધારકો લાંબા સમયથી આયાત ડ્યૂટી ઘટાડવાની માગણી કરી રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ભૂતપૂર્વ ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે, 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં નિકાસને પ્રોત્સાહન આપતાં ઘણાં પગલાં જાહેર કરવામાં આવશે તેવી ઉદ્યોગને અપેક્ષા છે.

સોનાની આયાત ડ્યુટીમાં ઘટાડો થતા થશે ફાયદો

શાહે જણાવ્યું હતું કે, “સોના પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો અને જ્વેલરી માટે પ્રગતિશીલ રિપેર પોલિસી આ ક્ષેત્રને ઘણો ફાયદો થશે. અમે એ પણ આશા રાખીએ છીએ કે રફ હીરા પર સંભવિત કર અને લેબોરેટરીમાં હીરા તૈયાર કરવા માટે વપરાતા બીજ પરની ડ્યુટી નાબૂદ કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બર દરમિયાન દેશમાંથી જેમ્સ અને જ્વેલરીની નિકાસ બે ટકા વધીને $26.45 બિલિયન થઈ છે. આ સમયગાળા દરમિયાન સોનાની આયાત 18.13 ટકા ઘટીને 27.21 અબજ ડોલર થઈ છે. સોનાની આયાતમાં ઘટાડો ચાલુ ખાતાની ખાધ ઘટાડવામાં મદદ કરે છે.


Share this Article
TAGGED: ,
Leave a comment