Gold Rate Today: 3 દિવસમાં બે બેંકો ડૂબી જવાથી અમેરિકામાં અરાજકતા છે. પહેલા સિલિકોન વેલી બેંકને તાળુ મારવામાં આવ્યું અને આજે સિગ્નેચર બેંક પણ નાદાર થઈ ગઈ છે. આ બેંક પાસે $110 બિલિયનની સંપત્તિ છે. બંને બેંકો ડૂબી જવાની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સાથે જ સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. ગયા શુક્રવારે સપ્તાહની શરૂઆતથી વૈશ્વિક બજારમાં સોનું 3 ટકા ઊછળ્યું હતું. આજે એટલે કે સોમવારે પણ સોનામાં તેજીથી કારોબાર થઈ રહ્યો છે. 2008માં પણ અમેરિકાની બે નાણાકીય સંસ્થાઓ ડૂબી જવાથી આર્થિક મંદીની શરૂઆત થઈ હતી. ત્યારે પણ સોનામાં ઉછાળો આવ્યો હતો.
કેટલાક નિષ્ણાતો અમેરિકામાં બે બેંકોના ડૂબવાને અમેરિકામાં આર્થિક મંદીની શરૂઆત માની રહ્યા છે. લેહમેન બ્રધર્સ અને વોશિંગ્ટન મ્યુચ્યુઅલના પતન પછી 2008માં મંદીની શરૂઆત થઈ હતી. પહેલા ટેક કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાને કારણે અને હવે બે બેંકોની નાદારીથી અમેરિકામાં મંદીની ભીતિએ જોર પકડ્યું છે.
સોનું કેમ વધ્યું?
અમેરિકાની બે બેંકોની નાદારી બાદ રોકાણકારો બેહાલ છે. અમેરિકાની આ ઘટનાની સમગ્ર વૈશ્વિક આર્થિક વ્યવસ્થા પર અસર પડશે, તેમાં કોઈ શંકા નથી. તેનાથી વિશ્વમાં અનિશ્ચિતતા ફેલાશે. દુનિયામાં જ્યારે પણ ઉથલપાથલ થાય છે ત્યારે સોનાની માંગ વધી જાય છે. આ જ કારણ છે કે હવે અમેરિકન બેન્કિંગ સિસ્ટમમાં મંદીને કારણે વિશ્વભરના ઇક્વિટી રોકાણકારો ચિંતિત છે. સોનામાં અચાનક ખરીદી વધી છે.
વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર, હવે રસ્તા પર ટોલ બૂથ જ નહીં આવે, ગડકરીનો પ્લાન જાણીને મોજ પડી જશે
આજે પણ તેજી
વૈશ્વિક બજારમાં આજે પણ સોનામાં તેજી જોવા મળી રહી છે. સોમવારે સોનાનો હાજર ભાવ 0.88 ટકા વધીને $1,892.38 પ્રતિ ઔંસ થયો હતો. બ્લૂમબર્ગ ડૉલર સ્પોટ ઇન્ડેક્સમાં આજે ઘટાડો ચાલુ છે. તે શુક્રવારે પડ્યો હતો. ભારતીય વાયદા બજારમાં પણ સમાચાર લખાય છે ત્યાં સુધી સોનાની કિંમત 894 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અથવા 1.59 ટકા વધીને 57044 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે.