India News : સોનું પહેરવું અને તેમાં રોકાણ કરવું એ બંને ભારતીયોની પસંદગી છે. પાડોશી દેશ ચીન પછી ભારત સોનાનો વિશ્વનો બીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, અહીં સોનાની માગની સરખામણીએ ઉત્પાદન નહિવત્ છે. ભારતમાં લોકો દર વર્ષે 800 ટન સોનું ખરીદે છે, જ્યારે દેશમાં આવેલી ખાણોમાંથી માત્ર 1 ટન સોનું કાઢવામાં આવે છે. આવી સ્થિતિમાં 799 ટન સોનાની આયાત થાય છે એટલે કે બહારથી આયાત કરવામાં આવે છે.
છેલ્લા 6 વર્ષમાં ભારતમાં સોનાનો વપરાશ સતત વધીને 666 ટનથી વધીને 799 ટન થયો છે. કોરોના મહામારીના સમયે જ વર્ષ 2020માં સોનાનો વપરાશ 445 ટન હતો. ખાસ વાત એ છે કે આઝાદી બાદ છેલ્લા 76 વર્ષમાં સોનાનો ભાવ 89 રૂપિયાથી 59 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો, પરંતુ તેની માંગમાં કોઈ ઘટાડો થયો નથી.
અમેરિકી સરકાર કરતા ભારતીયો પાસે વધુ સોનું છે
આમ જોવા જઈએ તો વિશ્વમાં સોનાના ભંડારના મામલે અમેરિકા પહેલા નંબરે છે, કારણ કે અમેરિકી સરકારની તિજોરીમાં 8,133 ટન સોનું છે, જ્યારે ભારત પાસે 797 ટન સોનાનો ભંડાર છે. જો કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ભારતીયો પાસે વર્ષ 2019માં 25,000 ટનથી વધુ સોનું હતું. એટલે કે અમેરિકી સરકારની તિજોરી કરતા લગભગ 3 ગણું વધારે સોનું આપણા ઘરોમાં રાખવામાં આવે છે. ભારતીયો પાસે રહેલા સોનાની કિંમત ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. ભારત દર વર્ષે 44084366667 ડોલરના 800 ટન સોનાનો વપરાશ કરે છે. ભારતીય રૂપિયામાં આ રકમ 36,60,67,10,26,639 ટ્રિલિયન રૂપિયા છે.
સોનાના રોકાણની બાબતમાં પણ આગળ
ભારતમાં સોનામાં રોકાણનું મહત્વ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો પોતાની બચતનો માત્ર 5 ટકા હિસ્સો જ બેન્ક સ્કીમ કે અન્ય સ્કીમોમાં રોકાણ કરે છે, બાકીનાં નાણાં સોનામાં રોકવામાં આવે છે. સોનામાં રોકાણમાં સૌથી વધુ તામિલનાડુનો હિસ્સો 28.3 ટકા છે.
ભારતીયો પાસે રહેલા કુલ સોનામાં જ્વેલરીનો હિસ્સો લગભગ ૮૦ ટકા જેટલો છે. સાથે જ ભારતના મંદિરોમાં અઢી હજાર ટન સોનું છે. કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાં 1300 ટન સોનું હોવાનો અંદાજ છે. આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં 250થી 300 ટન સોનું છે. દર મહિને 100 કિલો સોનું અહીં અર્પણ તરીકે આવે છે. ભારત સ્વિત્ઝરલેન્ડ, યુએઈ અને દક્ષિણ આફ્રિકાથી સોનાની આયાત કરે છે.