હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડશે? ‘ઘરવાપસી’ના એંધાણ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

તારીખ 19 ડિસેમ્બરના રોજ આઈપીએલ 2024 માટેની હરાજી થવાની છે. જેમાં ગુજરાત ટાઈટન્સના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવખત પોતાની ઘરવાપસી કરી શકે છે. એક રીપોર્ટ અનુસાર આ ટ્રેડ સંપૂર્ણ રીતે રોકડામાં રહેશે. જે માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એક વખતની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સને રૂપિયા 15 કરોડ ચૂકવશે. જો આ ડીલ સફળ રહી તો આઈપીએલના ઈતિહાસમાં કદાચ પહેલી વાર હાર્દિક પંડ્યા સૌથી મોટો પ્લેયર ટ્રેડ બની જશે.

આ મામલે હજુ સુધી કોઈ બેમાંથી એક પણ ફ્રેન્ચાઈઝીએ કોઈ જ નિવેદન આપ્યું નથી. છેલ્લે થયેલી હરાજી બાદ મુંબઈ ઈન્ડિયનના પર્સમાં માત્ર 5 કરોડ રૂપિયા બાકી રહ્યા હતા. આગામી હરાજી માટે ફ્રેન્ચાઈઝીને વધારાના રૂપિયા 5 કરોડ મળી રહેશે. એનો અર્થ એ થયો કે, હાર્દિકને લેવા માટે કેટલાક ખેલાડીઓને પડતા મૂકાઈ શકે છે. વર્ષ 2022માં હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઈટન્સને મોટી સફળતા અપાવી હતી. પહેલી વખત આવેલી ટીમ ટ્રોફી જીતી ગઈ હતી.

વર્ષ 2023માં ગુજરાત ટાઈટન્સે બીજી વખત આઈપીએલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારીને રનરઅપ રહી હતી. ખાસ વાત એ છે કે, આ બન્ને સિઝનમાં હાર્દિકના નેતૃત્વમાં ટાઈટન્સ લીગ તબક્કા દરમિયાન પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. ગુજરાત ટાઈટન્સ માટે હાર્દિક પંડ્યાએ કુલ 30 ઈનિંગ્સમાં 41.65ની એવરેજ અને 133.49 ના સ્ટ્રાઈક રેટ સાથે 833 રન કરેલા છે. આ સાથે તેમણે 8.1ના ઈકોનોમી રેટથી 11 વિકેટ પણ ખેરવી હતી.

જો આ ડીલ પૂરી થઈ જાય તો હાર્દિક પંડ્યા ત્રીજો એવો કેપ્ટન હશે જેને એમની ફ્રેન્ચાઈઝી તરફથી ટ્રેડ કરવામાં આવ્યા હોય. ગુજરાત ટાઈટન્સને મેગા હરાજી પહેલા અન્ય ફ્રેન્ચાઈઝી તરફથી જાહેર કરવામાં આવેલા પૂલમાંથી ત્રણ ખેલાડીઓને પંસદગી કરવાની મંજૂરી અપાઈ હતી. પછી હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને લેવામાં આવ્યા હતા.


Share this Article