Cricket News: ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર એન્ટ્રી કરી છે. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂમાં 171 રનની જોરદાર ઈનિંગ રમનાર આ બેટ્સમેને તેની શરૂઆતની કારકિર્દીમાં ઘણા મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. માત્ર 14 ટેસ્ટ ઇનિંગ્સ રમ્યા બાદ યશસ્વીએ બે બેવડી સદી ફટકારી છે અને એક પછી એક ઘણા રેકોર્ડ બનાવી રહ્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરીઝમાં અત્યાર સુધી યશસ્વી જયસ્વાલના બેટએ ઘણી ધૂમ મચાવી છે. ચોથી મેચ રમ્યા બાદ તેણે 600થી વધુ રન પોતાના નામે કરી લીધા છે. આ ભારતીય ઓપનર રાંચી ટેસ્ટ મેચના બીજા દિવસે સદી ચૂકી ગયો, નહીંતર તેના નામે વધુ એક ખાસ રેકોર્ડ બની ગયો હોત. આ ઇનિંગ દરમિયાન જ તેણે એક બાબતમાં સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા.
યશસ્વીએ ગાવસ્કર અને સેહવાગના રેકોર્ડ તોડ્યા
ગયા વર્ષે ટેસ્ટમાં પદાર્પણ કરનાર યશસ્વીએ અત્યાર સુધી માત્ર 8 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 14 ઇનિંગ્સમાં 71ની એવરેજથી રન બનાવ્યા છે. બે બેવડી સદી ફટકારવાની સાથે તેણે કુલ 934 રન બનાવ્યા છે. આટલી ઓછી સંખ્યામાં ટેસ્ટ ઇનિંગ્સમાં અનુભવી સુનીલ ગાવસ્કરના 918 રન હતા જ્યારે મયંક અગ્રવાલે 906 રન બનાવ્યા હતા. વીરેન્દ્ર સેહવાગ 754 રન બનાવી શક્યો હતો.
સચિન તેંડુલકરે 14મી ટેસ્ટ ઇનિંગ્સમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. આ મહાન બેટ્સમેને આ દરમિયાન માત્ર 556 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ પોતાની 14મી ઇનિંગમાં પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. આ દરમિયાન તેના ખાતામાં માત્ર 469 રન જ હતા. 14 ટેસ્ટ ઇનિંગ્સ પછી સૌથી વધુ રન બનાવવાના મામલે યશસ્વીથી માત્ર એક વિનોદ કાંબલી આગળ છે. તેણે 1005 રન બનાવ્યા હતા જેમાં બે બેવડી સદી અને એટલી જ સદીનો સમાવેશ થાય છે.