પેલી વખત મોકલેલી ચાર વર્ષ જૂની તસવીર. તારા ચહેરાની શ્યામ ભીનાશ ને, આંખોની ગોળ ગોળ કીકી પર દેખાતો મારો ચહેરો આજે પણ મને યાદ છે. બે પહાડી ગાલ વચ્ચે હસતા સરતું સ્મિત પુષ્પની પરાગરજ જેવા સફેદ દાંત આજે પણ મને યાદ છે.
કપાળની ખાંચાડી કેડીએથી આબુના પથ્થરિયા ઢાળ સમી ગરદન આજે પણ મને યાદ છે. લલાટ પર કંકુનો રેલો મંડપના જાણે કોઈ મુહૂર્તની લીલી સવારની યાદ આપાવે.
મારા રસોડાનો ખડ… ખડ…ખડ કરતો જુનો પંખો એનો અવાજ શોધે છે.ક્યાં છે એ!! કોઈ ખૂણામાં બેસીને ધીમી વાતચીતે કરેલું, શ્વાસ સાથે નીકળતું હળવું હાસ્ય અચાનક જ કાન સાથે અથડાઈને ક્ષણભર ધબકાર રોકી નાખતું.
મિત્રતાના નામે કરેલી નાદાની ને, જિંદગીભરના સાથ માટે કરેલા વાયદા એમાં પ્રથમ વિષય પર કરેલી મંત્રણા પરિવારની મંજૂરી આજે પણ મને યાદ છે. સ્પર્શી ગઈ મને સ્ત્રી તરફની દ્રષ્ટિ ને, મા-બાપ તરફ નો આદર એનો. નહિતર કોણ કરે પૂછીપૂછીને પ્રેમ અહીંયા?
24 કલાક હાજર રહેતો ચહેરો મેસેજ મોકલ્યાના પાંચ સેકન્ડમાં બ્લુ ટીક બતાવી જાય એ ખોવાયો છે આજે.
એનું નામ આપ્યું painkiller મેં, પૂછે મને એ, શું દર્દ છે?.. દિલના દર્દી પાસે દિલની દવા લેવા કેમ જવું!! વર્ષો પછી વિચાર્યું કે કોઈને જગ્યા આપું ભીતર. એ જગ્યા કરી જતો રહ્યો કે શું? જવાબ આપ્યા વગર!!….
મારા ફેવરીટ લિસ્ટની ગેલેરીમાં અવલ નંબરે આવતી તસવીર એની. કોઈ અછૂત સ્મૃતિ બનીને રડે છે.
મારી એક પણ વાત કે ઇમોજી ન ભૂલતો ચેહરો આજે એક ફોટો કે મેસેજ યાદ અપાવ્યે પણ યાદ નથી રહેતો. એટલો તો રઘવાયો પાછો તો કે, ગાડી હાઇવે ની બાજુમાં પાર્ક કરીને વાતો કરે ઓફિસ જતા. આજે સવારમાં છોડેલો મેસેજ પણ કદાચ,બપોરના બ્રેક પર ખુલતો નથી.
Hmm, Okay, I’ll call you later ના ઠંડા Response તમને અચાનક જ અચંબામાં પાડી દે. આ દર્દનું શું અનુમાન લગાવવું? જેને મળીને મેં જાણેલી મારી કિંમત, એમની કાબેલિયત પર કોઈ શક નહીં. આ હકીકતની દિવાલ અડગ છે.
એ મને જાણે કરતાં વધારે સમજે છે. બે મહિનાની મિત્રતા, એક લહેજ પ્રેમ ક્યારેક મિત્ર બનીને યાદ કરી લે હવે, રડવું હોય એટલું રડી લે, પછી તારી આંખમાં આંસુ નહિ આવવા દઉ. આજે આ શરીરમાં જ સાવન છે, એને ખબર નથી.
ક્રાંતિકારી વિચાર, પુસ્તક પ્રેમ, ખડક જવો મક્કમ અવાજ ને, વિચારોમાં તેજશ્વીતાએ મને એના તરફ ગતિમાન કરી. પહેલીવાર એક પુરુષનીઅંદર મને સર્વેસ્વનો સ્વીકાર દેખાયો. સહજ ભાવે એને હું પણા ને છોડાવી મને પ્રેમ કરાવ્યો. શું તારું? શું મારું? બધું જ આપણું છે એવું કહેવુ એનું.
ચંદ ક્ષણો માટે સાર્થક થયેલી
કલ્પનારહિત અનુભૂતિઓ.
~ ધારા બી. એમ.