મિસાઈલમેન એ.પી.જે. અબ્દુલ કલામનાં નાનપણની વાત છે. તેમનાં પિતા પાસે ઘણાં બીમાર લોકો પાણીનો વાટકો લઈને આવતા. એમનાં પિતા એ પાણીનાં વાટકામાં પોતાની આંગળી રાખતાં અને આકાશ તરફ જોઈને કાંઈક ઉચ્ચારતાં. ત્યારબાદ બે-ત્રણ દિવસે સાજાં થઈને એ વ્યક્તિ એમનો આભાર માનવા આવતાં. કલામ સાહેબને આ ખૂબ વિચિત્ર લાગતું. એમણે એકવાર એમનાં પિતાને આ વિશે પૂછ્યું, ત્યારે પિતાએ એમને સમજાવતાં કહ્યું કે, બેટા આ કોઈ જાદુમંતર નથી, પરંતુ અલ્લાહ પાસે બંદગી કરવાની એક રીત છે. મારાં કાર્યથી કોઈનું દર્દ મટે એ માટે હું અલ્લાહનો આભાર માનું છું.
આ છે પ્રાર્થનાની શક્તિ!
નાનાં હતાં ત્યારે સ્કૂલમાં દરરોજ પ્રાર્થના કરીને પછી ભણવાની શરૂઆત થતી. એ સમયે પ્રાર્થનાનો અર્થ ખબર નહોતી પડતી, પરંતુ એક વિશ્વાસ હતો. આપણી ભારતીય સંસ્કૃતિમાં દરરોજ સવારે વહેલાં ઊઠી, નાહીધોઈ ઈશ્વર પાસે અરદાસ કરીએ છીએ, દીવો કરીએ છીએ એ પ્રાર્થના જ છે ને!
શ્રદ્ધા અને વિશ્વાસથી ઈશ્વરનું સ્મરણ કરીએ તો એમાંથી આપણને શક્તિ મળે છે એ વાત ચોક્કસ છે. તેથી જ કહ્યું છે ને, “તુમ રક્ષક કાહુ કો ડરના!”
સરળ ભાષામાં કહીએ તો આત્માને શાંતિ અર્પે એ પ્રાર્થના. જેનાથી આપણું મન શાંત થાય, સર્વે જીવોનું કલ્યાણ થાય એવું વાંછીએ એ પ્રાર્થના. પરમાત્માને કાલીઘેલી ભાષામાં કરેલી અરજી એ પ્રાર્થના જ છે.
ઘણીવાર રસ્તા પર જતાં નાનકડી ડેરી પણ આવી જાય તો શ્રદ્ધાથી આપણું મસ્તક ઝૂકી જાય છે એ પ્રાર્થના જ છે ને.
“શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી!”
-જલન માતરી
નાનું બાળક કાંઈ જ ન સમજે છતાં પણ બે હાથ જોડી આંખો બંધ કરી પરમાત્માને વંદે છે એ પ્રાર્થના જ છે. પરમ પિતા પાસે પાંડિત્યપૂર્ણ શબ્દોની જરૂર નથી. એ તો આપણાં મૌનની, આપણાં આંસુની ભાષા પણ સમજી જાય છે. એક પ્રચલિત કહેવત છે, “Prayer needs no speech.”
કોઈ પણ પંથ હોય,કોઈપણ જ્ઞાતિ હોય, કોઈપણ દેશ હોય, કોઈપણ ભાષામાં હોય,દરેક જગ્યાએ પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયું છે. તેથી જ કહ્યું છે, “પ્રાર્થના આત્માનો ખોરાક છે.”
પ્રાર્થનાથી ઉત્પન્ન થતાં સકારાત્મક ઉર્જા સ્પંદનોની અસરથી આપણને અલગ અનુભવ થાય છે. પ્રાર્થના એટલે આપણને આપણા નિશ્ચિત લક્ષ સુધી પહોંચાડવા માટેનો સુગમ અને સરળ માર્ગ.
ગાંધીજી કહેતાં કે, “ભગવાને મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું ક્યારેય બન્યું નથી.”
આપણાં પૌરાણિક સંદર્ભમાં જોઈએ તો ઘણાં ભક્તોએ પોતાનાં તપ દ્વારા ઈશ્વરને મેળવ્યા છે. એ ઈશ્વર પાસે કરેલી પ્રાર્થના જ છે ને! ધ્રુવ, પ્રહલાદ કે નચિકેતા એ સૌએ ઈશ્વર કૃપાથી અમર સ્થાન પ્રાપ્ત કર્યું.
ઈશ્વર ખરેખર ખૂબ દયાળુ છે. સાચાં મનથી કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે જ છે. અનિલ ચાવડા ની એક પંક્તિ અહીંયા ટાંકવાનું મન થાય છે,
” અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માંગવા માટે?”
દ્રોપદીનો મદદ માટેનો પોકાર એ શ્રીકૃષ્ણને કરેલી અંતરની પ્રાર્થના જ હતી ને! નરસિંહ મહેતા, મીરાંબાઈ, સૂરદાસ એમની પ્રાર્થનામાં એટલી શક્તિ હતી કે સ્વંય ભગવાનને પણ દોડીને આવવું પડે!
ટેકનોલોજીનાં આ યુગમાં માનસિક શાંતિ માટે પણ પ્રાર્થના જરૂરી છે. આજે સતત હરીફાઈને કારણે માણસો ડિપ્રેશનનો શિકાર બને છે. આત્મહત્યા તરફ વળે છે. જો ધ્યાન ધરીને પ્રાર્થના કરીએ તો ચિત્તને જરૂરથી શાંત કરી શકાય. પ્રાર્થના તો હૃદયનું સ્નાન છે.
ટહુકો :
પ્રાર્થના એ યાચના નથી, ઈશ્વર સાથેનો સીધો સંવાદ છે. કક્કો બારાક્ષરી હરિ સમક્ષ મૂકી દઈને નિશ્ચિંત થઈ જઈએ. હજાર હાથવાળો સમજી જશે!