Lok Patrika Special: સોશિયલ મીડિયા પર હાલમાં અનેક પ્રકારના વીડિયો આપણે જોવા મળે છે. એમાં કોમેડી વીડિયો હંમેશા લોકોની પહેલી પસંદ રહ્યાં છે. ત્યારે આજે લોક પત્રિકા સ્પેશિયલ સ્ટોરીમાં તમને એક એવા કોમેડી કપલ વિશે વાત કરવી છે કે જેઓ એમના ફોલોઅર્સને ખુબ હસાવી રહ્યા છે અને એ પણ કોઈ પ્રકારના વાહિયાત કન્ટેન્ટ વગર.
View this post on Instagram
પરિવાર સાથે તમે બેસીને આ કપલના વીડિયો માણી શકો છો. આ કપલ એટલે કે કાઠિવાયાડી કપલ. અમિત કણજારીયા અને કિરણ કણજારીયા ખુબ જ મહેનક કરીને કાઠિયાવાડી કપલ નામે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. તો આવો જાણીએ આ કપલે કઈ રીતે સોશિયલ મીડિયાની શરૂઆત કરી અને વીડિયોના ટોપિક સિલેક્શન સુધીની દરેક વાતો…
મૂળ દ્વારકા જિલ્લાનું આ કપલ છેલ્લા 6 વર્ષથી હાલમાં બાવળા ખાતે રહે છે. ઓટો મોબાઈલ કંપનીમાં કામ કરીને જીવન નિર્વાહ કરી રહ્યાં છે. 2 બાળકો પણ છે જેમને આપ વીડિયોમાં અવારનવાર નિહાળતા હશો. ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, મોજ અને ફેબસુક જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કપલ વીડિયો બનાવી લોકોને મનોરંજન કરાવવાની સાથે સાથે સામાજિક મેસેજ પણ આપે છે. આજથી એક વર્ષ પહેલા આ કપલે વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી. પહેલો વીડિયો પતિ-પત્નીના શોપિંગ લિસ્ટ વિશેનો હતો કે જેમાં બન્ને એકબીજાના લિસ્ટ જોઈને કોમેડી કરાવે છે. ત્યાંથી શરૂ થયેલો સિલસિલો હજુ પણ યથાવત છે.
લાખો લોકો સુધી હવે આ કપલ પહોંચી ગયું છે. ઈન્સ્ટાગ્રામ પર પણ લાખ ઉપર લોકો અમિતભાઈ અને કિરણબેનને પ્રેમ કરે છે. અનેક લોકોના પ્રેમ અને સહકાર થકી આજે એમના વીડિયો મિલિયન સુધી પહોંચી ગયા છે. સૌથી વધારે જોવાયેલ વીડિયો વિશે જો વાત કરીએ તો તારા જેવી ચિબલીએ ના પાડી દીધી આ ટાઈટલથી બનાવેલ વીડિયો આજે 72 લાખ લોકોએ જોઈ લીધો છે. આવા તો અનેક વીડિયો છે કે જેમાં 50 લાખ ઉપર વ્યુ હોય. તો હવે કાઠિયાવાડી કપલ એ ઓળખાણના મોહતાજ નથી. સાદી ભાષામાં કહીએ તો સોશિયલ મીડિયા પર આ કપલનો દબદબો છે અને વટ પડે છે.
ટોપિક સિલેક્શન વિશે વાત કરતા અમિતભાઈ અને કિરણબેન જણાવે છે કે જ્યારે પણ અમને સમય મળે ત્યારે અમે ટોપિક વિશે ચર્ચા કરીએ. રોજિંદા જીવનમાંથી રમુજ મેળવવાની કોશિશ કરીએ. ઈમોશનલ વીડિયો પણ બનાવીએ.
View this post on Instagram
ધારો કે પત્ની કમાવા જતી હોય અને પતિ ઘરે બેસે તો કેવા કેવા પ્રકારના સીન થાય, સમાજને કંઈક મેસેજ મળે, લોકોને કંઈ મદદ મળે, જરૂરિયાત મંદ લોકોને મદદ મળે… આવા અનેક ટોપિક પર ચર્ચા કરીને પછી એક વીડિયો બનાવવાનું નક્કી કરીએ. ક્યારેક ક્યાંય ફરવા જઈએ તો પણ ટોપિક મળી જતો હોય છે.
વીડિયો શુટિંગ અને એડિટીંગ વિશે વાત કરતાં કાઠિયાવાડી કપલે વાત કરી કે અમે ઘરે જ અમારા ફોનમાં શુટિંગ કરીએ છીએ. જ્યારે પણ નોકરી અને બાળકોમાંથી સમય મળે કે તરત જ વીડિયો શુટિંગ કરી લઈએ. ફોનમાં જ વીડિયો ઉતારી અને ફોન અથવા તો લેપટોપમાં એડિટીંગ કરી લઈએ છીએ. અવાજનું ખાસ ધ્યાન રાખવું પડે છે. બાળકો ટિસ્ટર્બ ના કરે એ પણ જોવું પડે છે. તો આવા અનેક પડકારોમાંથી પસાર થઈએ ત્યારે એક વીડિયો બને છે. શુટિંગ એકસાથે કરી લઈએ, પછી એક-એક રીલ અપલોડ કરતા જઈએ છીએ.
કાઠિયાવાડી કપલ વાત કરે છે કે અમને ઘરમાંથી આ બાબતે કોઈ રોક-ટોક નથી. કિરણ બેન કહે છે કે મારા સાસુ સસરાનો પણ ખુબ સપોર્ટ રહે છે. તેઓ અમને સામેથી આ બાબતે મદદ પણ કરતા રહે છે. અમારી સાથે ઘણા વીડિયો પણ બનાવ્યા છે. તમે પેજ જોશો એટલે ખ્યાલ આવી જશે.
View this post on Instagram
આ કપલ કહે છે કે અમે ક્યારેય એવા વીડિયો નથી બનાવ્યા કે જે તમે પરિવાર સાથે ના જોઈ શકો. કારણ કે અમે માત્ર શોખ માટે વીડિયો બનાવીએ છીએ. અમારે સોશિયલ મીડિયા થકી ધંધો નથી કરવો કે પૈસાની કોઈ અપેક્ષા પણ નથી. એનાથી વિશેષ કે અમને જોઈને લોકો હસતા રહે અને એમની ભાગદોડભરી જિંદગીમાં થોડી સ્માઈલ કરી ફ્રેશ રહે.
અમને ઘણી વખત મેસેજ આવે કે આજે તમારો વીડિયો જોઈ હું ફ્રેશ થઈ ગયા કે ગઈ. જ્યારે લોકો અમારા વીડિયોથી એમનો બોજ હળવો થતો અનુભવે ત્યારે ખરેખર અમને દિલથી આનંદ થાય છે. જ્યારે કોઈ પ્લેસ પર ફરવા જઈએ કે સગા-વ્હાલાના લગ્નમાં જઈએ ત્યારે લોકો કહે કે આ તો કાઠિયાવાડી કપલ છે. સરસ વીડિયો બનાવે છે. ત્યારે ખરેખર એમ થાય કે આનાથી વિશેષ બીજી કમાણી શું હોય.