હાસ્યલેખ: ગુણપત્રકના ગોટાળા
કોઈ વાંઢો પુરુષ રૂપાળી કુંવારી કન્યાની પાછળ ગાંડો થઈને તેને પામવા પ્રયત્ન કરે એટલા પ્રયત્નો કરવા છતાંય જ્યારે મને મારુ ગુણપત્રક ન મળ્યું ત્યારે મને ભર્તુહરિનું આ વિધાન યાદ આવી ગયું: ‘प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यान्त्यापदः।'(ભાગ્યવિહીન માણસ જ્યાં જાય છે વિપત્તિઓ ત્યાં તેમની પાછળ જાય છે)આ વિધાન માટે હું સુયોગ્ય ઉદાહરણ છું,જાણે ભર્તુહરિ મારા માટે જ આ લખીને ગયા હોય એવી પ્રતીતિ અનેક વખત મને થઈ છે.અમુક માણસો આજીવન દુઃખી થવા જ સર્જાય છે,એમાંનો હું એક છું.આવા માણસોને સારા માણસોના ઘડતર બાદ વધેલા માલમાંથી,એ માલ નાખી ન દેવો પડે એ માટે ઈશ્વર બનાવતો હશે એવી મારી પાકી ખાતરી છે.
(અને આમેય આપણું કોણ માને છે?) એવો ઉમદા વિચાર કરી પાસ થવાનું તો લખી જ નાખતો.આ રીતે પ્રથમ સત્ર ની પરીક્ષા પાર કરીને સમય આવી ગયો ‘વિદાય વેળાનો’-ગુણપત્રક મેળવવાનો! આ ‘વિદાય વેળા’ શબ્દ એટલા માટે કારણ કે પિતાજીએ કહેલું કે,”તારે ડિસ્ટિંક્શન કે ફર્સ્ટ કલાસ તો આ ભવમાં આવવાના નથી તો સેકન્ડ ક્લાસ તો આવવો જ જોઈએ અને જો ન આવે તો આ ઘર ભૂલી જજે.”હું તો હેબતાઈ ગયો ને “ચોક્કસ ઘર ભૂલી જઈશ પણ સરનામું યાદ રાખીશ.”એવું મનમાં બોલ્યો.હવે ગુણપત્રક મેળવવા અમારી કોલેજના એક ખંધા માણસ પાસે પહોંચ્યો અને એ માણસને હું ‘ચા કરતાં કીટલી ગરમ’ કહું છું કારણ કે વિદ્યાર્થી સાથે એવું વર્તન કરે છે જાણે એને કોલેજનો કો-ઓર્ડીનેટર બનાવવામાં આવ્યો હોય.
અનેક યોગ્ય મુરતિયા જોયા બાદ તેમાંથી પોતાની દીકરી માટે સુયોગ્ય વર કયો હશે એ વિચારતા કન્યાના પિતાને જેવી મૂંઝવણ થાય એવી મૂંઝવણમાંથી પસાર થયા બાદ મારા હાથમાં ગુણપત્રક આવ્યું અને એક શાંતિ થઈ કારણ કે એમાં લખ્યું હતું સેકન્ડ ક્લાસ. આ સેકન્ડ ક્લાસ શબ્દ વાંચીને હું આશ્ચર્ય પામ્યો કારણકે મારા જેવા નાપાસ થવા વાળા માણસના ગુણપત્રકમાં આ શબ્દ શોભે જ નહીં એટલે થયું કે ચાલો,જરા નામ તપાસી લઉં.મારું જ છે ને?નામ જોયું તો પ્રોફેસરોના દુર્ભાગ્યે મારું જ હતું પણ ત્યાં વિષય જોઇને પાછળના ભાગે કોઈને કુતરુ બટકું ભરે ને એ જેવો ઉછળે એવો જ હું ઉછળ્યો. ફરી પાછું ‘ઇતિહાસ’ના સ્થાને ‘અંગ્રેજી’! ખરેખર ગુજરાતમાં અંગ્રેજીનો બહુ ત્રાસ છે.
હવે શું કરવું એ ન સમજાતા હું મારા પ્રોફેસર પાસે ગયો. હું લઘુતાગ્રંથિને લીધે ઓછું બોલનાર માણસ એટલે અધ્યાપક શરૂઆતમાં તો મારી સામે નવાઈ અને ઠાવકાઈથી જોઈ રહ્યા અને પછી કંઈ પણ ન કરી શકવાની પોતાની વૃત્તિ જાહેર કરી. હવે તો એક જ વિકલ્પ હતો- ગુજરાત યુનિવર્સીટીનું કાર્યાલય!કોઈ બગીચાની ભુલભુલામણી કરતાયે અઘરી ભૂગોળ ધરાવતું કાર્યાલય અને બુદ્ધિની સૌથી વધુ અછત છે એવી મારી બુદ્ધિ-આ બંને વચ્ચે ગજગ્રાહ ન ચાલે એ માટે મેં મારા બે મિત્રો-અથવા તો મને સહન કરનાર વ્યક્તિ-ને સાથે લીધા.એક હાથીકાયમિત્ર અને એક ગરોળી જેવી કાયા વાળો મિત્ર – એમ બે પ્રાણી મિત્રો ને સાથે લઈ ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં મેં પ્રવેશ કર્યો.
એક તો મારું મગજ ઓછું અને એ પણ પરીક્ષા વિભાગ શોધતા ખવાઈ ગયું આથી શોધવાની પ્રવૃત્તિનો ભાર એ હાથી-ગરોળીની જોડીને સોંપી દીધી અને એ બંનેએ પરીક્ષા વિભાગ શોધી કાઢ્યો.કોઈ લબરમૂછરિયો કોઈ સ્વપ્નસુંદરીની રાહ જોઇને બેઠો રહે એ રીતે અમે અડધી કલાક ત્યાં બેઠા.ત્યાં ખરેખર એક સ્વપ્નસુંદરી આવી અને અમે એની છેડતી કરી હોય એ રીતે અમારી સામે ડોળા ફાડવા લાગી.મને તો ડર લાગવા લાગ્યો કે ક્યાંક આ સ્વપ્નસુંદરીના ડોળા બહાર આવીને ટેબલ પર ન પડી જાય!
અમે ત્યાં જઈને રજૂઆત કરી ત્યારે તેણે કહ્યું કે,”હું કેમ માની લઉં કે તમે ઇતિહાસ વિષયમાં જ ભણો છો?”પછી મેં “માનવામાં તારા બાપાનું જાય છે શું?”એવું મનમાં કહ્યું અને હોઠથી “તો આ વાત સાબિત કરવા માટે મારે શું કરવું પડશે?” કહ્યું.ત્યારબાદ તે સ્વપ્નસુંદરી કંઈક ગણગણી એ હું સમજ્યો નહીં પરંતુ હાથી અને ગરોળીની જોડી એ સમજી ગયેલા.કોલેજના પ્રિન્સિપાલ પાસેથી એ વિશેનો બાંહેધરી પત્ર લખાવવાનો હતો.અમારી કોલેજના આચાર્યાના દુર્ભાગ્યે હું એને ‘જરા’ અંગત રીતે ઓળખું એટલે કામ નિર્વિઘ્ને પાર પડ્યું પણ પેલી સ્વપ્નસુંદરીને રજુ કર્યું.
ત્યારે તેમણે ઊંડો નિસાસો નાખ્યો અને મહિના દિવસ પછી આવવાનું કહ્યું.
કોઈ છૂટાછેડાના કેસમાં કોઈ છોકરો તારીખ પડે ત્યારે કોર્ટમાં જતો હોય તેવી રીતે મહિના દિવસ પછી,ઘરના લોકોના અનેક મહેણાં-ટોણાં સાંભળ્યા પછી હું એ સ્વપ્નસુંદરીના કાર્યાલયમાં આવેલા કક્ષમાં ગયો અને મને મારું ગુણપત્રક મળ્યું અને શાંતિ મારામાં ગરકાવ થઈ. પણ શાંતિ જેવી દુન્યવી ચીજ કોઈને મળી છે તે મને મળે?
જેવું પ્રથમ સત્ર વીત્યું એવું જ બીજું સત્ર પણ વીત્યું -સિમિત શબ્દ પણ શરમાય એટલા સિમિત મિત્રો,અભણ જેવું શિક્ષણ અને નરી મૂર્ખતા! ફરી પાછી બીજા સત્રની પરીક્ષા આવી ને ઉપર નો કિસ્સો યાદ આવતા જ કાચ જેવી દેખાતી લાદીમાં કાપેલા પગનો નખ-ના,ના પગનો કાપેલો નખ શોધતા હોઈએ એવી તીક્ષ્ણ દૃષ્ટિથી મેં મારા પ્રવેશપત્રક નું પૃથક્કરણ કરવાનું નક્કી કરેલું. ત્યાં ખાસ મારા જેવા વિદ્યાર્થીઓને મદદ કરવા કોરોનાને લીધે લોકડાઉન આવ્યું અને સરકારની કૃપાથી ‘મેરીટ બેઝ પ્રમોશન’ મળ્યું અને ફરી પાછો સેકન્ડ ક્લાસ!પણ હજુ એના ગુણપત્રકનો છબરડો તો બાકી હતો. આમ તો મારામાં અનેક કુટેવોનો ભંડાર છે એવું મારા સંપર્કમાં આવનાર બધા એક મતે જાહેર કરે છે પરંતુ મારામાં એક કુટેવ થોડી વધારે પ્રબળ છે અને એ છે – પુસ્તક વાંચનની.
આ કુટેવને લીધે મેં લોકડાઉન થયું એ પૂર્વે બે પુસ્તકો કોલેજના પુસ્તકાલયમાંથી વાંચવા લીધેલા.ખબર નહીં પણ કંઈક છબરડો થયો હશે કે કેમ એથી મારા ઠોઠને સરકારી હોસ્ટેલમાં મફત રહેવા-જમવા માટેનો પ્રવેશ મળી ગયો. આથી અચાનક લોકડાઉન આવતા એ પુસ્તકો આ સરકારી હોસ્ટેલ માં મુકેલા.પણ કોણ જાણે હોસ્ટેલમાં રાખેલા કોરોના દર્દીને એ પુસ્તકોમાં શું રસ પડ્યો તે આ પુસ્તકો ચોરી ગયો.હવે આ પુસ્તકો જ્યાં સુધી હું કોલેજમાં જમા ન કરવું ત્યાં સુધી કોલેજ મને મારું ગુણપત્રક આપશે નહીં અને પાછું એ પુસ્તકોનું પ્રકાશન એટલું જુનુ કે એની નવી આવૃત્તિ પણ પ્રાપ્ત થાય નહીં.
મારા વતનથી લગભગ ત્રણ ધક્કા ખાધા,વિનંતી કરી પણ છતાં કોઈ વાતે ‘પુસ્તક જમા કરાવો અને ગુણપત્રક લઇ જાઓ’ એ શરતમાંથી કોલેજ પ્રશાસન હટે જ નહીં.પછી એક દિવસ ઉગ્યો,આમ તો કાયમ દિવસો ઊગે જ છે પણ તે દિવસ જ જુદો જ હતો. મારી હાથી-ગરોળી ની જોડી સાથે, લડી લેવાના મિજાજ સાથે હું કોલેજ ગયો ત્યાં જઈને મારા મારા ‘જરા’ ઓળખીતા આચાર્યાને વાત કરી ત્યારે તેમણે મને પુસ્તક જમા કરાવ્યા વિના અથવા એક રૂપિયો પણ ચાર્જ લીધા વિના ગુણપત્રક અપાવ્યું.ના,એટલે મારા રુઆબ વિશે ખોટી ગેરસમજ ન કરતા કે આચાર્યાની સજ્જનતા ન સમજતા પણ આ તો ચાર્જમાં અંકે રૂપિયા ૭ થતા હતા એટલે મને માફ કર્યો.
યુદ્ધમાં વિજેતા થયેલો રાજા જે રીતે ઘરે પાછો ફરે,બ્યુટીપાર્લરમાં તૈયાર થયેલી સ્ત્રી લગ્નના સ્થળે પ્રવેશ કરે, કોઈ મારા જેવા મૂર્ખ ગ્રાહકને છેતરીને વેપારી પોતાની દુકાનેથી ઘરે પાછો ફરે ત્યારે જેવી અદાથી ઘરમાં પ્રવેશ કરે એવી જ અદાથી મેં પણ ગૃહ પ્રવેશ કર્યો. મારા પિતાએ મારા ગુણપત્રકને જોવાની દરકાર પણ ન કરી એ અલગ વાત છે. ફરી પાછી શાંતિ મારામાં ગરકાવ થતી જ હતી ત્યાં જ મારા એક મિત્રનો ફોન આવ્યો કે,”ત્રીજા સત્રની પરીક્ષાની તારીખ આવી ગઈ છે.”અહો, દુર્ભાગ્ય.